સયાજીબાગમાં હિપ્પોના પોન્ડની દિવાલ સુધી પર્યટકો પહોંચ્યા : પેન્થર સુરક્ષા એજન્સીને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Sayaji Baug Zoo : સયાજીબાગના પ્રાણીસંગ્રહાલયમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. હિપોપોટેમસને જોવા માટે સહેલાણીઓની સુરક્ષા જાળીથી સાત ફૂટ દૂર રહેવાની વ્યવસ્થા હોવા છતાં સહેલાણીઓનું ટોળું હિપ્પોના પોન્ડ સુધી પહોંચી ગયું હતું. હિપ્પો અને સહેલાણીઓ વચ્ચે માત્ર બે ફૂટ જેટલું અંતર રહેતાં ઝૂની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊઠ્યા છે. પ્રતિબંધિત વિસ્તારમાં સહેલાણીઓ કેવી રીતે પહોંચી ગયા અને તે સમયે સુરક્ષા કર્મચારીઓ ક્યાં હતા તે મુદ્દે વિવાદ સર્જાયો છે.
ચિંતાજનક બાબત એ છે કે અગાઉ આ જ સ્થળે હિપોપોટેમસે હુમલો કરતાં એક સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું, જ્યારે ઝૂ ક્યુરેટર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આવી ગંભીર ઘટના બાદ પણ સહેલાણીઓ હિપ્પોની આટલી નજીક પહોંચી જતાં સ્થાનિક સ્ટાફ અને સુરક્ષા ગાર્ડની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઝૂમાં પ્રાણીઓને ખવડાવવા કે તેમને હેરાન કરવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક સહેલાણીઓ હિપ્પોને કંઈક ખવડાવતા હોય તેવું પણ સામે આવ્યું છે.
આ મામલે ઝૂના અધિકારી પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, ઘટના સમયે સુરક્ષા પોઇન્ટ પર સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો. સહેલાણીઓને પ્રતિબંધિત વિસ્તારમાં જતા અટકાવવામાં આવ્યા નહોતા. જોકે, સ્ટાફ દ્વારા જાણ થતાં જ સહેલાણીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. સહેલાણીઓ દ્વારા પણ નિયમોનું પાલન ન કરવું એ દુઃખદ અને ગંભીર બાબત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ પણ બે યુવકો દીપડાના પાંજરા પાસે પહોંચી ગયા હતા. આ મામલે તેમની પાસેથી દંડ વસૂલી માફીપત્ર લખાવવામાં આવ્યું હતું. જ્યારે હિપ્પોના પોન્ડ પાસે બનેલી ઘટનામાં સિક્યુરિટી ગાર્ડ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ ખંડેરાવ માર્કેટમાં કોર્પોરેશનની કચેરીમાં કપલ ફોટોશૂટ કરતા પાંચ લાખ દંડ વસુલવા બાબતે પણ નોટિસ પાઠવી છે. આ બંને ઘટનામાં પેન્થર સિક્યુરિટી એજન્સી જવાબદાર હોવાનું સામે આવ્યું છે.




