Baroda

ઐતિહાસિક વારસાને સાચવવાની વોર્ડ-14ની પોળોના નામ સાથે ઇતિહાસના બોર્ડ લગાવો

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના ઐતિહાસિક વારસાને જીવંત રાખવા વોર્ડ નં.14ના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને રજૂઆત કરી છે. શહેરની પોળોના નામ અને તેના ઇતિહાસની માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાની માંગ કરાઈ છે. વાડી, બાજવાડા, સુલતાનપુરા અને નરસિંહજીની પોળ સહિતની પોળોને ઓળખ મળે જેથી નવી પેઢી અને પ્રવાસીઓને ઇતિહાસ જાણવા મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઐતિહાસિક વારસાને સાચવવાની વોર્ડ-14ની પોળોના નામ સાથે ઇતિહાસના બોર્ડ લગાવો

Vadodara News : વડોદરા શહેરના ઐતિહાસિક વારસાની ઓળખ જળવાઈ રહે અને નવી પેઢી તથા બહારથી આવતા મુલાકાતીઓને પોળોના ઇતિહાસની જાણકારી મળી રહે તે માટે વોર્ડ નં.14ના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને રજૂઆત કરી છે.
નગરસેવકે રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નં.14માં અનેક ઐતિહાસિક પોળો આવેલી છે, પરંતુ મોટાભાગની પોળોના નામ દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા નથી. તેમજ પોળનું નામ કેવી રીતે પડ્યું અને તેનો ઐતિહાસિક વારસો શું છે તેની માહિતી પણ સ્થળ પર ઉપલબ્ધ નથી.
તેમણે રજૂઆતમાં ખાસ કરીને વાડીની પાંચ પોળ, બાજવાડાની પોળ, સુલતાનપુરાની પોળ, નરસિંહજીની પોળ સહિતની પોળોના નામ દર્શાવતા બોર્ડ લગાવવા તથા બોર્ડ પર ટૂંકો ઇતિહાસ લખવાની માંગ કરી છે.
તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે અમદાવાદ શહેરની વિવિધ પોળોમાં નામ સાથે તેના ઇતિહાસની ટૂંકી માહિતી દર્શાવતા બોર્ડ જોવા મળે છે. જેના કારણે ગુજરાત તેમજ અન્ય રાજ્યો અને દેશોમાંથી આવતા મુલાકાતીઓને સ્થળની ઓળખ સાથે તેના ઐતિહાસિક મહત્વની જાણકારી મળે છે. તેવી જ રીતે વડોદરાની ઐતિહાસિક પોળોને પણ ઓળખ મળે તે જરૂરી છે.
વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો જાળવવા માટે પોળોના નામ અને તેના ઇતિહાસની માહિતી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવે તો સ્થાનિક નાગરિકો ઉપરાંત શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ આ ઐતિહાસિક વિસ્તારો વિશે જાણકારી મળી શકે.