મા-બાપના ઝઘડાથી કંટાળીને ગ્રેજ્યુએટ યુવતી સ્યુસાઈડ કરવા વડોદરા આવી, સોસાયટીના લોકોએ બચાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે ગઈ મોડી રાત્રે બનેલી એક ઘટનાએ સોસાયટીના રહીશોને હચમચાવી મૂક્યા હતા અને રહીશોની સતર્કતા તેમજ માનવતા વાદી વલણને કારણે એક યુવતીની જિંદગી બચી ગઈ હતી. હાલ પૂરતો અંકલેશ્વરની આ યુવતીને એક સંસ્થામાં આશરો આપવામાં આવ્યો છે. તેના માતા-પિતાનો પૂરતો સહકાર નહિ મળતા આખરે તેની બહેન લઈ જવા તૈયાર થઈ છે.
વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક મધરાત્રે એકલી યુવતીને જોઈ લોકોને શંકા ગઈ
વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેની સોસાયટી પાસે ગઈ રાતે એક યુવતીને ઉદાસ ચહેરે બેસી રહેલી જોઈને કોઈ વ્યક્તિનું ધ્યાન જતા તેણે સોસાયટીના રહીશોને જાણ કરી હતી. લોકોએ યુવતીની પૂછપરછ કરતા તે સ્યુસાઈડ કરવા માટે આવી હોવાની વિગતો બહાર આવી હતી. જેથી લોકોએ તરત જ અભયમને બનાવની જાણ કરી મદદ માગી હતી.
ગ્રેજ્યુએટ યુવતીએ કહ્યું મા બાપના ઝઘડાથી કંટાળી છું, કોઈ સમજવા તૈયાર નથી
અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા તે અંકલેશ્વરમાં રહેતી હોવાની અને ગ્રેજ્યુએટ થઈ હોવાની વિગતો જાણવા મળી હતી. યુવતી તેના મા-બાપના રોજ દરરોજના ઝઘડાથી ત્રાસી ગઈ હતી. બંનેમાંથી એક પણ જણા સમજવા માટે તૈયાર નહીં હોવાથી યુવતીએ પોતે જ જિંદગી છોડી દેવાનું નક્કી કર્યું હતું.
પિતાએ કહ્યું તું નીકળી જા, અમને જીવવા દે.. માતા પાસે 200 રૂપિયા લઇ નીકળી ગઈ
ગઈકાલે ફરી માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં પિતા બેફામ ગાળો ભાડતા હતા જેથી પુત્રીએ તેમને સમજાવવાનો પ્રયાસ કરતા પિતાએ તેને પણ અપ શબ્દો કહ્યા હતા. પિતાએ કીધું હતું કે તું પણ કોઈ કામની નથી, તારી કોઈ જરૂર નથી, ઘરમાંથી નીકળી જા અને અમને શાંતિથી જીવવા દે. જેથી યુવતીને લાગી આવ્યું હતું અને માતા પાસેથી રૂ.200 લઈ ટ્રેનમાં અંકલેશ્વરથી વડોદરા આવી હતી.
નિર્દયી પિતાએ કહ્યું.. તેને જેલમાં બેસાડી દો અને ફોન કટ કરી દીધો.. બહેન લઈ જવા તૈયાર થઈ
અભયમની ટીમે યુવતીને જિંદગીનું મહત્વ સમજાવી કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીની ડિપ્રેશનની દવા ચાલતી હોવાથી કાઉન્સેલરે યુવતીના પિતાને ફોન કરી બનાવની જાણ કરી હતી અને યુવતીને લઈ જવા માટે કહ્યું હતું. પરંતુ નિર્દયી પિતાએ કાંઈ પણ સાંભળ્યું ન હતું અને તેને જેલમાં બેસાડી દો તેમ કહી ફોન કટ કરી દીધો હતો. અભયમની ટીમે તેની બહેનને જાણ કરતા તેણે બહેનની ખૂબ ચિંતા થતી હોવાનું કહી હાલમાં પંજાબ હોવાથી વડોદરા આવીશ ત્યારે લઈ જઈશ તેમ કહ્યું હતું. જેથી યુવતીને સરકારી સામાજિક સંસ્થા સખી વન સ્ટોપમાં આશરો આપવામાં આવ્યો છે.




