ગેસ પાઈપ લાઈન નાંખનાર કોન્ટ્રાક્ટર સહિત ત્રણની અટકાયત : VGL દ્વારા નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gas Limited : વડોદરા ગેસ કંપની લિમિટેડ VGL દ્વારા વડોદરા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારો અને જિલ્લાઓમાં પાઈપલાઈન મારફતે ઘરગથ્થુ ગેસ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે કરજણમાં રેલવે વિભાગની જરૂરી પરવાનગી વિના રેલવે ગરનાળા નીચેથી ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી સામે આવી છે. મામલો સામે આવ્યા બાદ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કોન્ટ્રાક્ટર સહિત ત્રણ વ્યક્તિની અટકાયત કરી જવાબો લેવામાં આવ્યા બાદ છોડવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા ગેસ કંપનીએ શ્વેતા સેલ્સ કોર્પોરેશનને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો છે.
વડોદરા ગેસ કંપની દ્વારા વડોદરા શહેર ઉપરાંત પાદરા, ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી સહિતના વિસ્તારોમાં પાઈપલાઈનથી ગેસ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કરજણ વિસ્તારમાં ગેસ પાઇપલાઇન નાખવાનું કામ શ્વેતા સેલ્સ કોર્પોરેશનને સોંપવામાં આવ્યું હતું. આ દરમિયાન કરજણના જૂના બજાર રેલવે ક્રોસિંગ પાસે રેલવે ગરનાળા નીચેથી આશરે છ મીટર ઊંડાઈએ ગેસ પાઈપલાઈન નાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે રેલવે વિભાગની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હોવાની વિગતો સામે આવતા રેલવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેલવે ગરનાળા નીચેથી પાઈપલાઈન નાખવામાં આવી હોવાનું જણાતા કામગીરી તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી.
રેલવે તંત્રને જાણ થતાં આરપીએફના પીઆઈ ફડનવીસ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. આ મામલામાં કોન્ટ્રાક્ટર ધવલ પરીખ, સુપરવાઇઝર મયૂર અને ડ્રિલ ઓપરેટર રઘુનાથની મિયાગામ આરપીએફ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રેલવે કાયદાની કલમ 154 હેઠળ કાર્યવાહી કરી જવાબો લેવામાં આવ્યા હતા. અટકાયત દરમિયાન કોન્ટ્રાકટર સહિત ત્રણ સામે કાર્યવાહી ઉપરાંત વીજીએલના મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર વિપુલ રાજપુતનો લેખિતમાં જવાબ લેવામાં આવ્યો હતો.




