Baroda

યુનિ.ની ફેકલ્ટીઓમાં ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટની કોઈ વ્યવસ્થા જ નથી

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ન્યૂએરા સ્કૂલમાં વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મૃત્યુ થતાં DEO કચેરીએ તમામ શાળાઓમાં ઈલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટનો આદેશ આપ્યો છે. જોકે, MS યુનિવર્સિટીમાં આવી કોઈ વ્યવસ્થા નથી. ગત વર્ષે ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં કરંટ લાગવાથી એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું, છતાં યુનિવર્સિટી સત્તાધીશો નિષ્ક્રિય છે. દાયકાઓ જૂની ઇમારતોનું પણ ઓડિટ થતું નથી, જે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિ.ની ફેકલ્ટીઓમાં ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટની કોઈ વ્યવસ્થા જ નથી

નિઝામપુરા વિસ્તારની ન્યૂએરા સ્કૂલમાં ધો.૧૧ના વિદ્યાર્થીનું ફૂટબોલ રમતી વખતે કરંટ લાગવાથી મોત બાદ ડીઈઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોમાં ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટનો આદેશ અપાયો છે તો એમ.એસ.યુનિવર્સિટીમાં તો ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટની કોઈ વ્યવસ્થા જ નહીં હોવાની જાણકારી સામે આવી છે.
યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિનીનું ક્લાસમાં કરંટ લાગવાથી ગત વર્ષે મોત થયું હતું અને એ પછી પણ યુનિવર્સિટી સત્તાધીશો જાગ્યા નથી.યુનિવર્સિટીની ઘણી ઈમારતો તો દાયકાઓ જૂની છે પણ એક પણ ફેકલ્ટી દ્વારા ઈલેક્ટ્રિકલ ઓડિટ કરવાની તસ્દી લેવામાં આવતી નથી.યુનિવર્સિટી સત્તાધીશોએ પણ તાજેતરમાં ન્યૂએરા સ્કૂલમાં બનેલી ઘટના બાદ પણ ફેકલ્ટીઓને ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો નથી.સત્તાધીશોને વિદ્યાર્થીઓની સુરક્ષા કરતા યુનિવર્સિટી હેડ ઓફિસમાં લેવાતા નિર્ણયોની જાણકારી હેડ ઓફિસની બહાર લીક ના થાય તેની વધારે ચિંતા રહે છે.
એક ફેકલ્ટી ડીને નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, ફેકલ્ટીમાં જ્યારે કોઈ ફોલ્ટ થાય છે અથવા તો નવા ઉપકરણો નાંખવા માટે વાયરિંગની જરુર પડે છે ત્યારે થોડુ ઘણું ચેકિંગ થાય છે.બાકી આખી ઈમારતમાં વાયરો, જોડાણો, સ્વીચ સહિતનું ચેકિંગ તો ક્યારેય કરાતું નથી.

દર વર્ષે ઉપકરણો ચેક કરવાનો પરિપત્ર પાઠવી સંતોષ માનવામાં આવે છે
સૂત્રોએ કહ્યું હતું કે, ઉનાળાની શરુઆતમાં વીજ માગ વધવાની શક્યતાઓના કારણે દર વર્ષે ફેકલ્ટીઓને એક પરિપત્ર કરીને ઉપકરણો ચેક કરવા માટે સૂચના આપવામાં આવે છે.જોકે ફેકલ્ટીઓએ તેના પર અમલ કર્યો કે નહીં તે જાણવાની તસ્દી કોઈ લેતું નથી.યુનિવર્સિટી હેડ ઓફિસ હવે એસી ચેમ્બરોમાં બેસીને વહીવટ કરવાનું માધ્યમ બની ગઈ છે.