રેલવે સ્ટેશનનો વોક-વે બ્રિજ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ એસટી બસ ડેપો વચ્ચે મુસાફરોને સીધી અવરજવર માટે સુવિધા મળી રહે તે હેતુથી પ્લેટફોર્મ નંબર ૭ પર બનાવવામાં આવેલા વોક -વે બ્રિજની હાલત કથળી રહી છે. લાખો રૃપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ બ્રિજમાં જાળવણીનો અભાવ જોવા મળ્યો છે.
રોજ મોટી સંખ્યામાં મુસાફરો આ બ્રિજનો ઉપયોગ કરે છે, પરંતુ હાલ બ્રિજના બંને છેડે અને ચાલવાના ભાગમાં સફાઈના અભાવે ગંદકી જોવા મળી રહી છે. દારૃની ખાલી પોટલીઓ અને બાટલીઓ પડેલી હોવાથી બ્રિજની સ્વચ્છતા અને સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. રાત પડતાં આ બ્રિજ અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાની ફરિયાદો છે. રાત્રિના સમયે બ્રિજ પર ખાસ કરીને મહિલાઓ અને એકલા મુસાફરી કરતા લોકો માટે અસલામતીનો માહોલ ઊભો થયો છે.
નોંધનીય છે કે અગાઉ રેલવે સ્ટેશન, સિટી બસ સ્ટેશન અને કડક બજાર તરફ મુસાફરોને સીધી કનેક્ટિવિટી મળે તે માટે વર્ષ ૨૦૦૮-૦૯માં રૃા.૧.૮૯ કરોડનાખર્ચે વોક -વે બ્રિજ બનાવાયો હતો. જોકે યોગ્ય જાળવણી અને મેન્ટેનન્સના અભાવે ૧૩ વર્ષમાં તેની હાલત દયનીય બની ગઈ હતી. અંતે આ બ્રિજ દૂર કરવાની નોબત આવી હતી. પરિણામે સરકારી નાણાં ખર્ચીને ઊભી કરાયેલી સુવિધાનો ઉપયોગ થઈ શક્યો નહોતો અને લાખો રૃપિયાનો ખર્ચ માથે પડયો હતો.
હવે રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ એસટી ડેપો વચ્ચે બનાવવામાં આવેલા નવા વોક વે બ્રિજની પણ આવી જ દુર્દશા ન થાય તે માટે બ્રિજની કાળજી રાખવી જરૃરી છે.




