સર્ચ કમિટિ અત્યાર સુધીમાં સરકારને 13 ઉમેદવારોના નામ મોકલી ચૂકી છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક કુંઢેલા ખાતેની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વાઈસ ચાન્સેલરની જગ્યા એક વર્ષ થવા આવ્યું પણ હજી ખાલી છે.મળતી જાણકારી પ્રમાણે સર્ચ કમિટિએ ૧૩ નામ સૂચવ્યા છે પણ કેન્દ્ર સરકારે તેમાંથી એક પણ નામની પસંદગી કરી નથી.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં તત્કાલીન વાઈસ ચાન્સેલર પ્રો.રમાશંકર દુબેનો કાર્યકાળ પૂરો થયો હતો.એ પછી યુનિવર્સિટીના પ્રોફેસર અતાનુ ભટ્ટાચાર્ચ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે કાર્યરત છે.
બીજી તરફ નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક માટેની ત્રણ સભ્યોની સર્ચ કમિટિ બનાવવામાં આવી હતી.આ કમિટિએ પાંચ નામોની પસંદગી કરીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યા હતા.એવુ કહેવાય છે કે, આંતરિક ખેંચતાણના પગલે આ પાંચ પૈકીના એક પણ નામની સરકારે પસંદગી કરી નહોતી.એ પછી સર્ચ કમિટિએ દેશની બીજી સેન્ટ્રલ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પત્ર લખીને નામ સૂચવવા કહ્યું હતું.સર્ચ કમિટિને જે નામ મળ્યા હતા તેમાંથી આઠ નાામ કેન્દ્ર સરકારને મોકલી અપાયા હતા.જોકે આ આઠમાંથી પણ કોઈ નામ સરકારને પસંદ આવ્યું નથી તેવું શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાય છે.જેના કારણે એક વર્ષ થવા આવ્યું પણ ગુજરાતની એક માત્ર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની જગ્યા ખાલી રહી છે.જોકે અધ્યાપક આલમમાં એવી પણ લાગણી છે કે, નવા વાઈસ ચાન્સેલર તરીકે ગુજરાતમાંથી જ કોઈ વ્યક્તિની પસંદગી થાય તે વધારે યોગ્ય છે.જેથી ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટ્રલ યુનિવર્સિટીનો પ્રચાર પ્રસાર વધારે સારી રીતે થઈ શકે.




