સ્માર્ટ સિટીમાં બારે મહિના ઉબડખાબડ રહેતો માર્ગ : વડોદરાના ગાજરાવાડી રસ્તા પર અત્યાર સુધી કેટલો ખર્ચો થયો તેનો કોઈ હિસાબ નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના રસ્તાઓની કામગીરી અને તેના પાછળ થતા ખર્ચ અંગે ફરી એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે સવાલો ઊભા થયા છે.
શહેરના સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ દર્વે દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ગાજરાવાડી-વિહાર સિનેમા માર્ગ અંગે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. આ માર્ગ પર અત્યાર સુધી કેટલી વખત સમારકામ કરવામાં આવ્યું, કેટલા વખત નવો રસ્તો બનાવવામાં આવ્યો અને તેના પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની વિગતો માંગવામાં આવી હતી.
જોકે, સંબંધિત વિભાગો દ્વારા આપવામાં આવેલા જવાબમાં વહીવટી વોર્ડ નં.14ના અધિકારીએ આ અંગે ‘કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી’ તેમ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.
પંકજ દર્વેએ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી છે અને રસ્તાની કામગીરીમાં સરેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે.
ગાજરાવાડી-વિહાર સિનેમા માર્ગની સ્થિતિ પણ તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે. આ માર્ગ બારે મહિના ઉબડખાબડ રહેતો હોવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તો પહોળો કરવાની કાર્યવાહી પણ લાંબા સમયથી અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે.
સીટી વિસ્તારને પૂર્વ વિસ્તાર સાથે જોડતા આ મહત્વના માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. તેમ છતાં માર્ગની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે વારંવાર પેચવર્ક કે સમારકામ કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.
પાણીની ટાંકીઓ આસપાસ બારે મહિના ખોદકામ કેમ?
શહેરમાં આવેલી વિવિધ પાણીની ટાંકીઓ આસપાસ કોઈને કોઈ કારણસર બારે મહિના ખોદકામ થતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. કારેલીબાગ, ગાજરાવાડી સહિતના વિસ્તારોમાં પાણીની ટાંકીઓ આસપાસ વારંવાર રોડ તોડવાની અને ખોદકામ કરવાની કામગીરીને કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. એક જ સ્થળે વારંવાર ખોદકામ કરવામાં આવતું હોય તો ખરેખર વારંવાર લીકેજ થાય છે કે કેમ? પાઇપલાઇનમાં વારંવાર ખામી સર્જાય છે કે પછી મશીનરી અથવા પાઇપ બદલવાની કામગીરી થાય છે? જો કામગીરી થતી હોય તો તેના માટે અગાઉની કામગીરી બાદ રસ્તાનું યોગ્ય રિસ્ટોરેશન કેમ થતું નથી? આવા અનેક સવાલો હવે ઊભા થયા છે.









