દબાણશાખાની કાર્યવાહી ગણતરીના કલાકોમાં જ નિષ્ફળ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શહેરમાં નડતરરૃપ અને ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી સતત કરાઈ રહી છે. જોકે જે વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દબાણોના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી થઈ રહી છે ત્યાં દબાણ હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ ફરી દબાણો ખડકાઈ જતા પરિસ્થિતિ જૈસે થે રહે છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન ખંડેરાવ માર્કેટ, મંગળ બજાર, સંગમ ચાર રસ્તા, ન્યાયમંદિર સાયકલ બજાર, કડક બજાર સહિતના અનેક વિસ્તારોમાં દબાણ શાખાની ટીમ દ્વારા લારી-ગલ્લા, પથારા, શેડ સહિતના નડતરરૃપ દબાણો દૂર કરાયા છે. જોકે કાર્યવાહી બાદ ફરી આ સ્થળોએ અગાઉ જેવી જ સ્થિતિ જોવા મળી છે.
માર્ગ અને ફૂટપાથ પર ફરી દબાણોનો કબજો થતાં રાહદારીઓને ફૂટપાથનો ઉપયોગ કરવાને બદલે માર્ગ પર ચાલવાની ફરજ પડી રહી છે. બીજી તરફ માર્ગ પર દબાણના કારણે રસ્તો સાંકડો બનતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
દબાણ હટાવવાની કામગીરી પાછળ સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. દબાણ હટાવ્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ અને કડક કાર્યવાહી કરાય તો જ રસ્તા અને ફૂટપાથ દબાણમુક્ત રહી શકે તેમ સ્થાનિકોનું માનવું છે.




