સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલો ગુજસીટોકનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા શહેરની SSG હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીમાં ગુજસીટોક (GUJCTOC) જેવા અતિ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહસીન સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો, જ્યાં પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજસીટોક પ્રકરણના આરોપી મોહસીનને સ્વાસ્થ્ય સંબંધી સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા તેને હોસ્પિટલના બેડ સાથે હથકડીથી બાંધીને રાખવામાં આવ્યો હતો. જો કે, આરોપીએ પોલીસ સમક્ષ ટોયલેટ જવાનું બહાનું કાઢ્યું હતું.
પોલીસ જવાનો દ્વારા તેને ટોયલેટ જવા માટે છૂટો કરવામાં આવ્યો હતો, તે જ મોકો ઝડપીને આરોપી મોહસીને પોલીસકર્મીઓની આંખમાં ધૂળ નાખી હતી અને હોસ્પિટલના પરિસરમાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી નજર સમક્ષથી ગાયબ થઈ જતાં પોલીસ કર્મચારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
આરોપી હોસ્પિટલમાંથી ફરાર થયાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આરોપીને ઝડપી પાડવા માટે શહેરભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે તેમજ એસ.એસ.જી. હોસ્પિટલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપીને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમાંથી ગુજસીટોક જેવા ગંભીર ગુનાનો આરોપી નાસી છૂટતા પોલીસ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
બદામ ગેંગનો સાગરીત રાત્રે 3:30 વાગ્યે ઝડપાયો અને 7 કલાકમાં જ કલાકમાં ફરાર થઈ ગયો
ગોધરાની કુખ્યાત 'બદામ ગેંગ'નો સાગરિત અને ફરાર આરોપી મોહસીન સુલેમાન મીંડી મોડીરાતે સાડા ત્રણ વાગ્યે પોલીસન સાથે ગુજસીટોકના મૂળ ગુનામાં ઝડપાઈ ગયો હતો. ધરપકડ બાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને જરૂરી મેડિકલ ચેકઅપ માટે એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તે સવારે 10:30 વાગ્યે ફરાર થઈ ગયો હતો.




