Baroda

નંદેસરીના ઉદ્યોગો માટે કફોડી સ્થિતિ, હોનારત થાય તો ફાયર બ્રિગેડને પણ પહોંચવાના ફાફા

By GS Team
3 Oct 20263 mins read
TukuTouch Logo
નંદેસરી GIDCના 300થી વધુ ઉદ્યોગો માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે. રેલવે ફાટક અને મિની નદીના બ્રિજ બંધ થતા મુખ્ય બે રસ્તાઓ બ્લોક થયા છે. 10 ઓક્ટોબર સુધી રેલવે ફાટક બંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા રો-મટિરિયલ અને તૈયાર માલની હેરફેરમાં મુશ્કેલી પડી રહી છે. ઉદ્યોગકારોએ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નંદેસરીના ઉદ્યોગો માટે કફોડી સ્થિતિ, હોનારત થાય તો ફાયર બ્રિગેડને પણ પહોંચવાના ફાફા

નંદેસરી જીઆઈડીસીમાં અવર જવર કરવાના બે મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા જીઆઈડીસીના ૩૦૦ કરતા વધારે ઉદ્યોગો માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે.અહીંના ઉદ્યોગપતિઓ અને કામદારો માટે પણ અવર જવર મુશ્કેલ બની રહી છે.
નંદેસરીના ઔદ્યોગિક સંગઠનનું કહેવું છે કે, ઉદ્યોગોની હાલત અત્યારે બંધક જેવી છે.કારણકે નંદેસરીને સીધા નેશનલ હાઈવે સાથે જોડતા રસ્તા પરના રેલવે ફાટકના કારણે પહેલાથી જ ટ્રાફિક જામ રહેતો હતો અને હવે રેલવે સત્તાધીશો દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર જ આ રેલવે ફાટકનું સમારકામ શરુ કરી દેવામાં આવ્યું છે.જે તા.૧૦ ઓકટોબર સુધી બંધ રહેશે.જો કામ પૂરુ નહીં થાય તો આ મુદત લંબાઈ શકે છે.આ રુટ બંધ થવાથી ભારે વાહનો માટે નાકાબંધી જેવી સ્થિતિ છે.મુખ્ય હાઈવેનો રસ્તો બંધ થયા બાદ ઉદ્યોગો પાસે રણોલી તરફ જતો રસ્તો એક માત્ર વિકલ્પ હતો.પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગંભીરા બ્રિજ અકસ્માતનો હવાલો આપીને આ રસ્તા પરના મિની નદીના બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી દેવાયો છે.આમ હેવી વ્હીકલો માટે નંદેસરીના ઉદ્યોગો તરફ જવાનો આખો કોરિડોર જ બ્લોક થઈ ગયો છે.જેના કારણે રો મટિરિયલ પહોંચાડવાની અને તૈયાર થયેલો માલ મોકલવાની મુશ્કેલી પડી રહી છે.
ઔદ્યોગિક સંગઠનના સૂત્રોનું કહેવું છે કે, આ બંને રસ્તા બંધ છે ત્યારે જો નંદેસરી જીઆઈડીસીમાં ( જ્યાં મોટાભાગના કેમિકલ ઉદ્યોગો છે) કોઈ હોનારત સર્જાય તો ફાયર બ્રિગેડ કે બીજા ઈમરજન્સી વાહનોને જીઆઈડીસીમાં તાત્કાલિક પહોંચવાના ફાંફા પડે તેમ છે.કારણકે ગ્રામ્ય વિસ્તારના આંતરિક રસ્તાઓ તો પહેલેથી જ ખરાબ અને સાંકડા છે અને તેના પર ટ્રાફિક જામ રહે છે.

અગાઉ પણ કરોડોનું નુકસાન થયું હતું, તંત્ર સામે કોર્ટમાં જવાની ચીમકી
અગાઉ પણ નંદેસરી જીઆઈડીસીને હાઈવે સાથે જોડતા રસ્તા પરનુ રેલવે ક્રોસિંગ સમારકામ માટે પંદર દિવસ બંધ રાખવામાં આવ્યું હતું અને તેના કારણે ઉદ્યોગોને રો મટિરિયલ મેળવવામાં અને તૈયાર માલ મોકલવામાં તકલીફ પડી હતી અને કરોડોનું નુકસાન થયું હતું.આ વખતે બે દિવસમાં જો વૈકલ્પિક માર્ગ ખુલ્લો મૂકવામાં નહીં આવે તો નંદેસરીના ઉદ્યોગકારો કોર્ટમાં પિટિશન દાખલ કરશે તેવી ચીમકી પણ નંદેસરી ઈન્ડસ્ટ્રી એસોસિએશને આપી છે.

ઉદ્યોગોની અને લોકોની માગણીઓ
--યુધ્ધા ધોરણે રેલવે દ્વારા ૩ શિફટમાં રેલવે ક્રોસિંગનું સમારકામ પૂરુ કરવામાં આવે અને ૧૦ ઓકટોબર પહેલા રસ્તો ખુલ્લો મૂકવામાં આવે
--મિની નદીના બ્રિજ પરથી ભારે વાહનોને વન વે કરીને અથવા રાત્રે ચોક્કસ ટાઈમ સ્લોટ આપીને અવર જવર માટે હંગામી મંજૂરી આપવામાં આવે.જેથી ગામડાઓના રસ્તા પરથી ટ્રાફિક હળવો થાય
--સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક ફ્લાય ઓવરના નિર્માણને મંજૂરી આપવામાં આવે.

ગામડાના રસ્તા પર ભારે વાહનોની અવર જવરથી ઝઘડા
નંદેસરી ઈન્ડસ્ટ્રી એસોસિએશનના કહેવા અનુસાર બંને મોટા રસ્તા બંધ હોવાથી ઉદ્યોગોના રો મટિરિયલની તથા તૈયાર માલની હેરફેર કરતી ટ્રકો તથા કેમિકલ ભરેલી ટેન્કરોને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે.આ રસ્તાઓ ભારે વાહનોને ખમી શકે તેમ નથી.જેના કારણે રસ્તા તૂટી રહ્યા છે.સ્થાનિક લોકોની સુરક્ષા પણ જોખમાઈ રહી છે.જોખમી ટ્રાફિકના કારણે ગ્રામજનો અને ભારે વાહનોના ચાલકો તથા ઉદ્યોગકારો વચ્ચેનો ગજગ્રાહ વધી રહ્યો છે.