Baroda

સમારોહમાં સાંસદ વિલંબથી પહોંચતા શિક્ષકોને રાહ જોવી પડી

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં શિક્ષક દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે શિક્ષક સન્માન સમારોહ યોજાયો. સાંસદના દોઢ કલાકના વિલંબ અને નેતાઓના અધૂરા પ્રસ્થાનથી શિક્ષકો નારાજ થયા. મોમેન્ટોના બદલે ફક્ત પ્રમાણપત્રો અપાયા, જ્યારે ભાજપના કેટલાક હોદ્દેદારોને મંચ પર સ્થાન ન મળતા અસંતોષ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમારોહમાં સાંસદ વિલંબથી પહોંચતા શિક્ષકોને રાહ જોવી પડી

'શિક્ષકનું સન્માન એટલે સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયાનું સન્માન' એવા ઉદ્દેશ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા આજે શિક્ષક દિન નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. જોકે, કાર્યક્રમ દરમિયાન થયેલી કેટલીક બાબતોને લઈને શિક્ષકોમાં નારાજગી સાથે ભાજપના હોદ્દેદારોમાં પણ અસંતોષની લાગણી ફેલાઈ છે.

કાર્યક્રમમાં મહિલા રાજ્યમંત્રી સમયસર સવારે ૯ વાગ્યે કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા. જોકે, મુખ્ય વક્તા તરીકે આમંત્રિત સાંસદના આગમનમાં આશરે દોઢ કલાકનો વિલંબ થતાં કાર્યક્રમ સાથે જોડાયેલા લોકોને રાહ જોવાની ફરજ પડી હતી. સાંસદના આગમન બાદ દીપ પ્રાગટય સહિતની વિધિ પૂર્ણ કરી કાર્યક્રમ આગળ ધપાવાયો હતો.

કાર્યક્રમમાં નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા બાદ તેઓ કાર્યક્રમ અધૂરો મૂકી  રવાના થઈ ગયા હતા, જેના કારણે શિક્ષક દિનના સન્માન સમારોહમાં જ શિક્ષકોની અવગણના થઈ હતી. તેમજ અગાઉ શિક્ષકોને આશરે રૃા.૧૨૦૦થી રૃા.૧૫૦૦ની કિંમતના મોમેન્ટો આપવામાં આવતા હતા. જોકે, આ વખતે મોમેન્ટોના બદલે માત્ર પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.

કાર્યક્રમમાં અગાઉ પૂર્વ ચેરમેન, કાઉન્સિલર સહિતના હોદ્દેદારોને મંચ પર સ્થાન આપવાની પરંપરા હતી. જોકે, આ વખતે આ પરંપરા બદલવામાં આવી હતી અને કેટલાક હોદ્દેદારોને મંચ પર સ્થાન આપવામાં આવ્યું ન હતું. પરિણામે હોદ્દેદારોને પ્રેક્ષકો વચ્ચે બેસવાની સ્થિતિ સર્જાઈ હતી.

આ મુદ્દે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ શહેર ભાજપ પ્રમુખ સમક્ષ ફરિયાદ કરી હોવાની માહિતી સામે આવી છે.