75 ટકાથી ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓએ બાહેંધરી આપવી પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં તા.૨૨ ઓકટોબર, ગુરુવારથી બીજી મિડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.એ પહેલા એફવાયમાં ફરજિયાત હાજરીના નિયમનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.
આજે કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે, આ વર્ષથી એફવાયમાં ૭૫ ટકા હાજરી ફરજિયાત કરવામાં આવી છે.જે વિદ્યાર્થીઓની હાજરી ૭૫ ટકા કરતા ઓછી હશે તેમને પરીક્ષામાં તો બેસવા દેવામાં આવશે પણ તેમની પાસેથી બીજા સેમેસ્ટરમાં ૭૫ ટકા હાજરીના નિયમનું પાલન કરવાની બાહેંધરી લેવામાં આવશે.આ માટેના લખાણ સાથેના ફોર્મનું વિદ્યાર્થીઓને પરીક્ષાના પહેલા દિવસે પેપરની સાથે વિતરણ કરાશે.વિદ્યાર્થીઓએ તેમાં માતા પિતાની સહી પણ કરાવીને ફેકલ્ટીમાં આ બાહેંધરીનું ફોર્મ જમા કરાવવાનું રહેશે.૭૫ ટકાથી ઓછી હાજરી હોય તેવા લગભગ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે.આ પહેલુ જ વર્ષ છે અને વિદ્યાર્થીઓ નવા હોવાથી તેમને હાજરીન નિયમનું પાલન કરવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય કરાયો છે.સાથે સાથે જે વિદ્યાર્થીઓની ઝીરો ટકા હાજરી હોવાની સાથે ફેકલ્ટીમાં એક પણ પ્રેઝન્ટેશનમાં કે અન્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો નથી તેમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં જ આવે.




