નવાયાર્ડમાં કારબ્લાસ્ટના બનાવમાં ચોંકાવનારો ઘટસ્ફોટઃજૂની અદાવતનું વેર રાખી કારને સળગાવનાર મિત્ર જયેશ પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવાયાર્ડ વિસ્તારમાં કાર બ્લાસ્ટ થવાના ચકચારી બનાવમાં ફતેગંજ પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં પોલીસે કાર માલિકના જૂના મિત્રની ધરપકડ કરી છે.
નવાયાર્ડમાં બે દિવસ પહેલાં રાત્રે અઢી વાગ્યાના અરસામાં રોડ પર પાર્ક કરેલી હોન્ડા સિટિ ગેસ કારમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતાં બાજુની કેબિન,ખુરશીઓ અને સાઇકલ આગની ચપેટમાં આવી ગયા હતા. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના મકાનોના કાચ તૂટયા હતા અને ૨૦૦ મીટર સુધી કારના ફૂરચા ઉડયા હતા.આ બનાવમાં પાંચ જણાને ઇજા પણ થઇ હતી અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસે સ્થિતિ સંભાળવી પડી હતી.
ઉપરોક્ત બનાવ અંગે ફતેગંજના પીઆઇ અજય ગઢવી અને પીએસઆઇ એસઆર વસાવાની ટીમે સીસીટીવી ફૂટેજ તપાસતાં એક શકમંદ નજરે પડયો હતો.પોલીસે કારના માલિક પ્રિતેષ મકવાણાને ફૂટેજ બતાવતાં યુવકનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો નહતો.જેથી પોલીસે બીજા ફૂટેજ તપાસતાં કાર સળગાવવા આવેલો શખ્સ પ્રિતેશનો જૂનો મિત્ર જયેશ અશોકભાઇ સોલંકી(મારુતિ નંદન સોસાયટી, બાજવા)હોવાનું જણાઇ આવ્યું હતું.
પોલીસે આરોપીને તેના ઘેરથી દબોચી લેતાં તેણે પ્રિતેશ સાથે અગાઉ ઝઘડા થતા હોવાથી વેરની વસૂલાત માટે કારની ચારેબાજુ પેટ્રોલ છાંટીને આગ ચાંપી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
જયેશે સ્કૂટરમાંથી પેટ્રોલ કાઢ્યું,રિક્ષામાં દૂર ઉતર્યો અને કાર સુધી ચાલતો પહોંચ્યો
નવાયાર્ડ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મૂકવાનું કૃત્ય આચરનાર જયેશ સોલંકીએ કેવી રીતે કામ પાર પાડયું તેની વિગતો પોલીસ સમક્ષ વર્ણવી હતી.
પોલીસના કહેવા પ્રમાણે,જયેશ સોલંકી અને તેના મિત્ર પ્રિતેશ મકવાણા જૂના પાડોશી હતા.બંને વચ્ચે ઝઘડા થતા હોવાથી એક વર્ષથી પ્રિતેશે બોલવાનું બંધ કર્યું હતું.જેથી જયેશ તેને મારવા માટે તક શોધતો હતો.
પ્રિતેશે કાર લીધી હોવાથી જયેશે કાર સળગાવી દેવાનો કારસો રચ્યો હતો.પોતાના સ્કૂટરમાંથી તેણે પેટ્રોલ કાઢી બોટલ ભરી હતી અને રિક્ષામાં થોડે દૂર ઉતરીને ચાલતો કાર પાસે પહોંચ્યો હતો.કારની ફરતે પેટ્રોલ છાંટીને આગ ચાંપીને તે ભાગી ગયો હતો અને ઘેર જઇ સૂઇ ગયો હતો.ફતેગંજ પોલીસ સીસીટીવી ફૂેટેજ પરથી તેને ઘેર પહોંચી હતી.




