ફતેગંજમાં 10 દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી રહ્યું છે : લોકોનો હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 3માં સમાવિષ્ટ ફતેગંજ વિસ્તારના સદર બજારની મોદી ગલીમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે. વારંવારની ફરિયાદ છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં ગઈકાલે સ્થાનિક રહીશોએ એકત્ર થઈ મહાનગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી. રહીશોએ ગટરનું ગંદુ પાણી ભરેલી બોટલો હાથમાં દર્શાવી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, બે મહિના અગાઉ પણ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાની સમસ્યા સર્જાઈ હતી. તે સમયે વોર્ડ કચેરીએ મોરચો લઈ જઈ રજૂઆત કરતાં સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. જોકે, ફરી એકવાર છેલ્લા દસ દિવસથી એ જ સમસ્યા સર્જાતાં રહીશો પરેશાન થઈ રહ્યા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં તાત્કાલિક કોઈ ઉકેલ આવતો નથી અને માત્ર સમસ્યા દૂર થઈ જશે તેવા આશ્વાસન આપવામાં આવે છે.
પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાથી ઘરોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. પાણી પીવા કે અન્ય ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી રહીશોને પીવાના પાણીના જગ ખરીદવાની ફરજ પડી રહી છે. એટલું જ નહીં, ગટરનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતાં આરઓ મશીન અને પાણીની ટાંકીઓની સફાઈ કરાવવાની પણ નોબત આવી છે.
વારંવાર એક જ સમસ્યા સર્જાતી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો ન હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માગ રહીશોએ કરી છે.




