યુનિ.માં 30 કરોડના ખર્ચે ફાયર સેફટી સિસ્ટમ નાંખવાની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ફાયર સેફટી સિસ્ટમ નાંખવા માટે લગભગ ૩૦ કરોડ રુપિયાનો પ્રોજેકટ હાથ ધરાયો છે.યુનિવર્સિટીમાં નાણાકીય રીતે જોવામાં આવે તો સૌથી મોટા પ્રોજેકટોમાં તેનો સમાવેશ થાય છે.આ સિસ્ટમ નાંખવાની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ બહાર આવી છે.
મળતી જાણકારી અનુસાર ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી માટે કાન્હા ફાયર સેફટી સર્વિસ નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. પ્રોજેકટની કામગીરી દરમિયાન તેના પર ગંભીર સવાલો ઉભા થયા હતા અને તેના કારણે ચાર મહિના પહેલા યુનિવર્સિટી સત્તાધીશોએ ૬ સભ્યોની એક રિવ્યૂ કમિટિ બનાવી હતી.જેમાં ફાયર સેફટી એક્સપર્ટ તરીકે પોલીટેકનિકના પૂર્વ પ્રિન્સિપાલ દિલિપ પટેલનો સમાવેશ કરાયો હતો.ફાયર સેફટી એક્સપર્ટે એ પછી કેમ્પસમાં ઈન્સ્પેક્શન કર્યું હતું અને સત્તાધીશોને તેનો અહેવાલ સુપરત કર્યો હતો.આ અહેવાલની કેટલીક ચોંકાવનારી જાણકારી સામે આવી છે.એક્સપર્ટ દિલિપ પટેલે નોંધ્યું છે કે, કેટલીક જગ્યાએ વધારે પડતો ખર્ચ કરવામાં આવ્યો છે.જ્યાં જરુર નથી ત્યાં વધારે ઈક્વિપમેન્ટ મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત ઈક્વિપમેન્ટની ગુણવત્તા સાથે પણ સમાધાન થયું છે..આમ યુનિવર્સિટીને તેના કારણે નાણાકીય નુકસાન સહન કરવું પડી શકે છે અને પ્રોજેકટનું બજેટ પણ વધી શકે છે.યુનિવર્સિટી વર્તુળોમાં ચર્ચા છે કે, ઈન્સ્પેક્શનના રિપોર્ટ પછી પણ સત્તાધીશોએ આ ક્ષતિઓ સુધારવા માટે કોઈ કાર્યવાહી નથી કરી.કોન્ટ્રાકટર પર યુનિવર્સિટીના જ કોઈ અધિકારીનો હાથ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
ફાયર સેફટી એક્સપર્ટે કઈ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો
--હેલ્થ સેન્ટરના પાર્કિંગમાં માત્ર ૫૦૦ મીટર વિસ્તારમાં પાંચ હોઝ રીલ અને પાંચ ફાયર હાઈડ્રન્ટ મૂકવામાં આવ્યા છે.
--પોલીટેકનિકમાં ૩ પેરેલલ પાઈપલાઈન નાંખવામાં આવી છે.હકીકતમાં એક લાઈનથી ચાલે તેમ હતું.સ્મોક ડિટેકટર લોબીમાં લગાવાયા છે.હવાની અવર જવરના કારણે લોબીમાં ધૂમાડો ડિટેકટ ના થઈ શકે.કેમ્પસમાં અન્ય સ્થળોએ પણ આવુ જ છે.
--કેટલીક જગ્યાએ અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક પ્રેશર પૂરુ પાડી શકે તેમ નથી
--પાઈપ લાઈનોને યોગ્ય ગ્રાઉન્ડ સપોર્ટ વગર નાંખવામાં આવી છે
--ફાયર એલાર્મ સિસ્ટમ નેશનલ બિલ્ડિંગ કોડ,૨૦૧૬ પ્રમાણે નથી
--ડિટેકશન સિસ્ટમ અને કેબલ ટેન્ડરમાં દર્શાવાયેલા સ્પેસિફેક્શન સાથે મેળ ખાતા નથી
--હાઈડ્રન્ટ પાઈપલાઈન, ફાયર પમ્પ, ઈલેક્ટ્રિક મેઈન પમ્પ અને ડિઝલ પમ્પને ટેન્ડરમાં દર્શાવાયેલા સ્પેસિફિકેશન સાથે ચેક કરવાની જરુર
--ફાયર હાઈડ્રન્ટ અને એક્સ્ટિંગ્યુશર પણ
બજેટમાં પાંચ થી ૬ કરોડનો વધારો?
આ પ્રોજેકટની ૫૦ ટકાથી વધારે કામગીરી પૂરી થઈ ચૂકી છે ત્યારે મૂળ બજેટ કરતા તેમાં પાંચ થી ૬ કરોડનો વધારો થઈ ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે.બીજી તરફ યુનિવર્સિટીને સરકાર પાસેથી આટલી મોટી ગ્રાંટ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.જોકે કન્સ્ટ્રક્શન વિભાગના સત્તાવાર સૂત્રોએ બજેટમાં વધારો થયો હોવાનો ઈનકાર કર્યો હતો.
નિયમો પ્રમાણે જ કામગીરી, સુધારા પણ કરાયા છે
કન્સ્ટ્રક્શન વિભાગના સત્તાધીશોએ ફાયર સેફટી એક્સપર્ટના રિપોર્ટ અંગે કહ્યું હતું કે, કેટલીક બાબતોમાં ગેરસમજ થઈ છે.ઉપરાંત રિપોર્ટમાં જે બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે તેના પર ધ્યાન આપીને ક્ષતિઓ સુધારી લેવામાં આવી છે.ફાયર સેફટીના જે નિયમો છે તેના આધારે જ કામગીરી કરવામાં આવી રહી છે અને તેમાં ક્યાંય કોઈ ક્ષતિ રહી નથી.




