Baroda

સંકલ્પભૂમિ સ્મારકનો વિવાદ : વર્ષોથી કામ પૂર્ણતા તરફ છતાં લોકાર્પણ નહીં, સંવિધાન બચાવો સમિતિની માંગ

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
વડોદરાની ઐતિહાસિક સંકલ્પભૂમિ પરના ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું લોકાર્પણ ન થતાં સવાલો ઉઠ્યા છે. સંવિધાન બચાવો સમિતિએ ગુજરાત સરકારને રજૂઆત કરી સ્મારકની વર્તમાન સ્થિતિ અને લોકાર્પણની તારીખ તાત્કાલિક જાહેર કરવા માંગ કરી છે. કરોડોના ખર્ચે બનેલું આ સ્મારક વર્ષોથી તૈયાર હોવા છતાં રાજકીય કારણોસર અટવાયું હોવાની આશંકા સેવાઈ રહી છે, જેનાથી અનુયાયીઓમાં નારાજગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંકલ્પભૂમિ સ્મારકનો વિવાદ : વર્ષોથી કામ પૂર્ણતા તરફ છતાં લોકાર્પણ નહીં, સંવિધાન બચાવો સમિતિની માંગ

Vadodara News : વડોદરા શહેરની ઐતિહાસિક સંકલ્પભૂમિ ખાતે નિર્માણ પામેલા ડૉ.બાબાસાહેબ આંબેડકર સ્મારકનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું હોવા છતાં તેનું સત્તાવાર લોકાર્પણ કરવામાં ન આવતા હવે સવાલો ઉઠ્યા છે. સંવિધાન બચાવો સમિતિ, વડોદરા દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવને રજૂઆત કરી સ્મારકની હાલની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવા તેમજ લોકાર્પણની ચોક્કસ તારીખ તાત્કાલિક જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
સમિતિએ રજૂઆતમાં જણાવ્યું છે કે સંકલ્પભૂમિ માત્ર એક સરકારી ઈમારત કે સામાન્ય પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતના બંધારણના શિલ્પકાર ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવનસંઘર્ષ, સામાજિક ન્યાય અને શોષિત-વંચિત સમાજના ઉત્થાનના સંકલ્પ સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મારફતે સ્મારકના નિર્માણ પાછળ કરોડો રૂપિયાની સરકારી રકમ ફાળવવામાં આવી છે. તેમ છતાં વર્ષો વીતી ગયા બાદ પણ સ્મારકનું લોકાર્પણ ન થતાં બાબાસાહેબના અનુયાયીઓમાં નારાજગી હોવાનું સમિતિએ જણાવ્યું છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ તાજેતરમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્મારકની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. સ્મારક લોકાર્પણ માટે તૈયાર થઈ રહ્યું હોવાનું જણાવાયું હોવા છતાં આજદિન સુધી લોકાર્પણની ચોક્કસ તારીખ અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
સમિતિએ સવાલ ઉઠાવ્યો છે કે જો સ્મારકનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોય તો તેનું લોકાર્પણ શા માટે અટકાવવામાં આવ્યું છે? લોકાર્પણમાં વહીવટી, તકનિકી, નાણાકીય કે અન્ય કોઈ કારણસર વિલંબ થયો હોય તો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
સંવિધાન બચાવો સમિતિએ સરકાર પાસે સ્મારકના બાંધકામથી લઈને આંતરિક સુવિધાઓ, મ્યુઝિયમ, ડિજિટલ લાયબ્રેરી, લેન્ડસ્કેપિંગ સહિતના કામો પાછળ અત્યાર સુધી કેટલો સરકારી ખર્ચ કરવામાં આવ્યો તેની માહિતી પણ જાહેર કરવાની માંગ કરી છે.
સાથે જ સ્મારકનું કેટલા ટકા કામ પૂર્ણ થયું છે અને કયા કામો હજુ બાકી છે તેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
સંવિધાન બચાવો સમિતિએ સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં સંકલ્પભૂમિ સ્મારકની હાલની સ્થિતિ અંગે સંપૂર્ણ અહેવાલ જાહેર કરવો, લોકાર્પણમાં થયેલા વિલંબનું સત્તાવાર કારણ જાહેર કરવું, લોકાર્પણની ચોક્કસ તારીખ તાત્કાલિક જાહેર કરવી અને કોઈપણ કારણસર વધુ વિલંબ કર્યા વિના સ્મારકનું લોકાર્પણ કરી જનતા તથા બાબાસાહેબના અનુયાયીઓ માટે ખુલ્લું મૂકવાનો સમાવેશ થાય છે.
‘બાબાસાહેબનું સ્મારક રાજકીય પ્રસંગની રાહ જોઈને બંધ ન રહે’
સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર કોઈ એક પક્ષ, વ્યક્તિ કે સરકારની મિલકત નથી. તેઓ ભારતના બંધારણના શિલ્પકાર અને સમગ્ર દેશના મહાન રાષ્ટ્રનિર્માતા છે. તેમના નામે સરકારી નાણાંમાંથી નિર્માણ પામેલું સ્મારક વર્ષો સુધી લોકાર્પણ વિના રહે તે બાબતને માત્ર વહીવટી વિલંબ ગણાવીને અવગણી શકાય નહીં.
જો લોકાર્પણ કોઈ વિશિષ્ટ મહાનુભાવની ઉપલબ્ધિ અથવા રાજકીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અટકાવવામાં આવ્યું હોય તો તેની સત્તાવાર વિગતો જાહેર કરવાની પણ માંગ કરાઈ છે.