Baroda

કેનેડા મોકલવાના બહાને રૂ.1.10 લાખ પડાવ્યા : દસ્તાવેજો સળગાવી દેવાની ધમકી

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં કેનેડા મોકલી નોકરી અપાવવાના બહાને 39 વર્ષીય જીગ્નેશ ભાટીયા સાથે રૂ.1.10 લાખની છેતરપિંડી થઈ છે. આકાશ જાની અને પાર્થ મુલાણીએ કેનેડામાં નોકરીની લાલચ આપી વિઝા અને મેડિકલના નામે પૈસા લીધા હતા. બાદમાં ન તો કેનેડા મોકલ્યા કે ન તો પૈસા કે દસ્તાવેજો પાછા આપ્યા. કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડા મોકલવાના બહાને રૂ.1.10 લાખ પડાવ્યા : દસ્તાવેજો સળગાવી દેવાની ધમકી

Vadodara Fraud Case : વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય જીગ્નેશ ભાટીયા સાથે કેનેડા મોકલી નોકરી અપાવવાના બહાને રૂ.1.10 લાખની છેતરપિંડી કરાયાની ફરિયાદ કપુરાઈ પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, જીગ્નેશને નોકરી માટે કેનેડા જવાની ઈચ્છા હોવાથી ગત 18 જાન્યુઆરી, 2026ના રોજ તેણે આકાશ દિનેશચંદ્ર જાની અને પાર્થ કિશોર મુલાણીનો સંપર્ક કર્યો હતો. બંનેએ કેનેડામાં સંબંધીની રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આ માટે જરૂરી દસ્તાવેજો મેળવી કુલ રૂ.2 લાખ જેટલો ખર્ચ થશે અને માત્ર પાંચ દિવસમાં વિઝા મંજૂર થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આરોપીઓએ વિઝા ફીના રૂ.36 હજાર અને મેડિકલ ચેકઅપના રૂ.15 હજાર સહિત અલગ-અલગ સમયે ફરિયાદી પાસેથી કુલ રૂ.1.10 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો કુરિયર મારફતે બેંગ્લોર મોકલી દઈ ફરિયાદીને કેનેડા મોકલવામાં આવ્યા હોવાનું ખોટું જણાવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
જોકે, કેનેડા નહીં મોકલાતા જીગ્નેશે પોતાના રૂપિયા અને દસ્તાવેજો પરત માંગ્યા હતા. ત્યારે આરોપીઓએ વધુ રૂ.2 લાખની માંગણી કરી ગાળો આપી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ઉપરાંત પાસપોર્ટ અને અગત્યના દસ્તાવેજો સળગાવી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.
આમ, રૂ.1.10 લાખ ચૂકવ્યા છતાં નોકરી માટે કેનેડા નહીં મોકલી તથા રૂપિયા અને દસ્તાવેજો પરત નહીં આપી છેતરપિંડી કરાયાનો આક્ષેપ થયો છે. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે આકાશ દિનેશચંદ્ર જાની અને પાર્થ કિશોર મુલાણી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.