નવરાત્રિમાં રોમિયાેની ખેર નથી,ફોટા-વીડિયાે લેતા..કોમેન્ટ કરતા કે પીછો કરતા રોમિયોને મહિલા પોલીસ દબોચી લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ મહાત્સવોમાં ઘૂસી જતા આવારા તત્વોને શોધવા માટે શી ટીમની ૧૦૦ થી વધુ મહિલા પોલીસ ગરબા તેમજ નક્કી કરાયેલા ડાર્કસ્પોટ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે.
મા શક્તિના આરાધનાનું પર્વ આવતી કાલ રવિવારથી શરૃ થઇ રહ્યું છે ત્યારે તમામ ગરબા ગ્રાઉન્ડ સજ્જ કરી દેવામાં આવ્યા છે.શેરી અને સોસાયટીઓમાં પણ ગરબાની તૈયારી થઇ ગઇ છે.જ્યારે માઇ મંદિરો પણ રોશનીથી ઝળહળી ઉઠયા છે.
ગરબામાં યુવતીઓની સુરક્ષા માટે શહેર પોલીસ દ્વારા તમામ ગરબા ગ્રાઉન્ડ પર આજે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,જેમાં એન્ટ્રી-એક્ઝિટ,સ્ટેજની મજબૂતી, પાર્કિંગ અને ફાયર સેફ્ટીના મુદ્દે પોલીસ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
બીજીતરફ,યુવતીઓની સુરક્ષા માટે શી ટીમની ૧૦૦ થી વધુ મહિલા પોલીસને આજે મહત્વની કામગીરી સોંપવામાં આવી છે.શી ટીમની મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમશે અને યુવતીઓના ફોટા કે વીડિયો ઉતારતા તેમજ કોમેન્ટ કરતા યુવકોને ઝડપી પાડશે.આવી જ રીતે નક્કી કરાયેલા ડાર્ક સ્પોટ તેમજ સોસાયટીના વિસ્તારોમાં પણ મહિલા પોલીસ વાહનો લઇ ફરતી રહેશે અને પીછો કરનારા તેમજ હેરાન કરતા તત્વોને ઝડપી લેશે.
યુવતીઓને સુરક્ષા માટે પોલીસની ટિપ્સ, ફેમિલી સાથે લોકેશન શેર કરવા અપીલ
શી ટીમના ઇન્ચાર્જ એસીપી મિત્તલ સાકરીયાએ યુવતીઓ માટે સુરક્ષાને લગતી કેટલીક ટિપ્સ આપી છે.જેની કેટલીક માહિતી આ મુજબ છે.
- ગરબામાંથી પાછા ફરતી વખતે વાલી સાથે લોકેશન શેર કરો.
- અજાણ્યાથી દૂર રહો અને એકાંતમાં જવાનું ટાળો.
- સોશ્યલ મીડિયા પર નવા બનેલા મિત્રો કે ગુ્રપમાં જોડાયેલા અજાણ્યા લોકોથી ખાણી-પીણી બાબતે સાવધ રહેવું.
- વાહન ખોટકાઇ જાય કે મોડી રાત્રે અન્ય કોઇ પણ મુશ્કેલી જણાય તો તરત જ ૧૧૨ ડાયલ કરી મદદ માગો,શી ટીમ તરત જ ઘર સુધી પહોંચાડશે.
- અવાવરૃ સ્થળેથી અવરજવર કરનાર યુવતીએ વિશેષ તકેદારી રાખવી જોઇએ અને પેટ્રોલિંગ કરતી પોલીસની મદદ લેવી જોઇએ.
- કોઇ અજાણી વ્યક્તિ ફોટો,વીડિયો લેતી હોય કે પીછો કરી કોમેન્ટ કરતી હોય તો તરત શી ટીમની મદદ માગો.




