Baroda

છ કરોડનો રસ્તો બન્યો, પરંતુ સ્ટ્રીટ લાઇટની સુવિધા નહી : મશાલથી અજવાળું કરી અનોખો વિરોધ

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના બિલ વિસ્તારમાં કોર્પોરેશનમાં સમાવેશ થયાના 8 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. 6 કરોડના ખર્ચે બનેલા બિલ-અટલાદરા કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાથી રાત્રે અંધારપટ છવાઈ જાય છે. આથી અકસ્માત અને અનિચ્છનીય ઘટનાઓનો ભય રહે છે. શુક્રવારે રાત્રે વોર્ડ 12ની કોંગ્રેસ ટીમે મશાલ પ્રગટાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

છ કરોડનો રસ્તો બન્યો, પરંતુ સ્ટ્રીટ લાઇટની સુવિધા નહી : મશાલથી અજવાળું કરી અનોખો વિરોધ

Vadodara Corporation : વડોદરા શહેરના બિલ વિસ્તારમાં કોર્પોરેશનની હદમાં સમાવેશ થયાને આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં રહીશોને પ્રાથમિક સુવિધાઓ માટે હેરાન થવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહીશો સમયસર વેરાની ભરપાઈ કરી રહ્યા છે, પરંતુ તેના બદલામાં જરૂરી સુવિધાઓ મળતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે.
બિલ-અટલાદરા કેનાલ રોડ પર છ કરોડ રૂપિયાના ખર્ચે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીં સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી રાત્રિના સમયે આખો માર્ગ અંધકારમાં ગરકાવ થઈ જાય છે. પરિણામે અકસ્માતની સાથે અનિચ્છનીય ઘટનાઓનો ભય પણ સ્થાનિક રહીશોને સતાવી રહ્યો છે. દરમિયાન, ગઈકાલે શુક્રવારે રાત્રે માર્ગ પર સ્ટ્રીટ લાઇટની સુવિધાના અભાવ સામે વોર્ડ નંબર 12ની કોંગ્રેસની ટીમે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરો હાથમાં મશાલો લઈને માર્ગ પર ઊભા રહ્યા હતા અને મશાલોના પ્રકાશથી અંધકાર દૂર કરી તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. છ કરોડના ખર્ચે રસ્તો બની ગયો હોવા છતાં રાત્રે પ્રકાશની વ્યવસ્થા ન હોવાની સ્થિતિએ વિકાસનાં કામો સામે સવાલો ઊભા કર્યા છે.
કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા મુજબ, સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવા માટે એક વર્ષ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ પરિણામ આવ્યું નથી. બીજી તરફ, નવરાત્રિ દરમિયાન ભાયલી વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. હાલ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે મહિલાઓ અને અન્ય લોકોની અવરજવર રાત્રિના સમયે વધે છે. આવી સ્થિતિમાં અંધકારમય માર્ગ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોવી જરૂરી છે. તેમ છતાં સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.