વડોદરા રેલવે સ્ટેશન પર પાર્કિંગ ચાર્જ મુદ્દે રિક્ષા ચાલકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Railway Station : વડોદરા પશ્ચિમ રેલવે સ્ટેશન ખાતે રિક્ષા અને ટેક્સી કાર પાર્કિંગના ચાર્જ મુદ્દે રિક્ષા ચાલકોએ ફરી એકવાર વિરોધ નોંધાવ્યો છે. પાર્કિંગ ચાર્જના વિરોધમાં ત્રણ રિક્ષા યુનિયનોના સભ્યો રેલવે સ્ટેશન પરિસરમાં એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રેલવે દ્વારા રિક્ષા માટે રૂ.10 અને ટેક્સી કાર માટે રૂ.20 પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં સિંગલ એન્ટ્રી ટિકિટ બે કલાક સુધી માન્ય રહેશે. બે કલાક બાદ દરેક બે કલાકના સમયગાળા મુજબ ચાર્જ ચૂકવવાનો રહેશે.
રિક્ષા યુનિયનના આગેવાનો દ્વારા આ ચાર્જનો સ્પષ્ટ વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિયનનું કહેવું છે કે, “એક રૂપિયો પણ ચૂકવીશું નહીં. અગાઉના કોન્ટ્રાક્ટરને ભગાવ્યો હતો અને આવનાર કોન્ટ્રાક્ટરને પણ ભગાવીશું.” રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને રિક્ષા-ટેક્સી ચાલકોની રોજગારીને ધ્યાનમાં રાખીને પાર્કિંગ માટે યોગ્ય જગ્યા ફાળવવી જોઈએ.
રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ, સ્ટેશન પર મુસાફરોને લેવા-મૂકવા આવતા વાહનો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાથી તેમની રોજગારી પર સીધી અસર પડશે. જેથી ચાર્જની વ્યવસ્થા પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે.
યુનિયનોએ ચેતવણી આપી છે કે જો પાર્કિંગ ચાર્જનો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.









