Baroda

પાણીની સમસ્યાથી ત્રસ્ત કંસારાવાડી અને માળી મહોલ્લાના રહીશોનો ભાજપ કાઉન્સિલરને ઘરે જઈ હોબાળો

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના વોર્ડ નં. 13માં કંસારાવાડી અને માળી મહોલ્લાના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈને ભાજપના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા. છેલ્લા 2 દિવસથી પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગટર ઉભરાવાની પણ સમસ્યા છે. કાઉન્સિલરે પાણીના ટેન્કરની વ્યવસ્થાની ખાતરી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાણીની સમસ્યાથી ત્રસ્ત કંસારાવાડી અને માળી મહોલ્લાના રહીશોનો ભાજપ કાઉન્સિલરને ઘરે જઈ હોબાળો

Vadodara Corporation : વડોદરાના વોર્ડ નં. 13માં પાણીની સમસ્યાથી ત્રસ્ત કંસારાવાડી અને માળી મહોલ્લા સહિતના વિસ્તારના રહીશો ભારે રોષ સાથે ભાજપના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
રહીશોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે દિવસથી પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, જેના કારણે ઘરવપરાશ સહિતની અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. વિસ્તારમાં તમામ લોકો પાસે પૂરતું પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ નથી. પાંચ જેટલા મહોલ્લામાં પાણીની તકલીફ હોવાનું રહીશોએ જણાવ્યું હતું.
પાણીની સમસ્યા ઉપરાંત વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા પણ હોવાનું રહીશોએ જણાવ્યું હતું. ગટરના ગંદા પાણીથી વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે અને બાળકોના આરોગ્ય પર પણ અસર થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રહીશોમાંથી કેટલાકે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે ચૂંટણી સમયે નેતાઓ જનતા વચ્ચે દેખાય છે, પરંતુ ચૂંટણી બાદ લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ તૈયાર નથી. હોદ્દેદારો આવે છે, આશ્વાસન આપીને જતા રહે છે અને પાણી માટે ટેન્કર મોકલવાની વાત કરવામાં આવે છે. જોકે ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે ત્યારે પણ પાણી લેવા માટે લોકો વચ્ચે ઝઘડા થતા હોવાની ફરિયાદ રહીશોએ કરી હતી.
બીજી તરફ કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે પાણીની ટાંકીઓ ખાતે જરૂરી પાણીનું સ્તર જળવાતું ન હોવાથી સમસ્યા સર્જાઈ રહી છે. તેમણે હાલની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી.