ઢાઢર અને વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારને આવરી લેતો "ઇકોરીજનલ પ્લાન" તૈયાર કરવા ભલામણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા રચાયેલી વિશ્વામિત્રી સમિતિએ તેના પાંચમા અહેવાલમાં વિશ્વામિત્રી નદીના સંરક્ષણ, પૂર નિયંત્રણ અને પ્રદૂષણ નિવારણ અંગે અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. સમિતિએ માત્ર વડોદરા શહેર નહીં પરંતુ સમગ્ર ઢાઢર અને વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારને આવરી લેતો ઇકો-રીજનલ પ્લાન તૈયાર કરવાની ભલામણ કરી છે. ઉપરાંત નદીએ વર્ષો દરમિયાન બદલેલા કુદરતી પ્રવાહને આધારે જમીનનો નવો પ્રોપર્ટી મેપ તૈયાર કરવા તેમજ ફ્લડ એફેક્ટેડ વિસ્તારોમાં કાયમી બાંધકામ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
અહેવાલમાં જણાવ્યું છે કે,આવા વિસ્તારોમાં ઇકોલોજિકલ પાર્ક, કેમ્પિંગ ઝોન, અર્બન ફાર્મિંગ અને મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવાની તેમજ અસરગ્રસ્ત ખાનગી જમીન માલિકોને TDR અથવા કરમાં રાહતના સ્વરૂપે વળતર આપવા સૂચવાયું છે. સમિતિએ શહેરના વિવિધ ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ (STP)ની કામગીરી અંગે પણ ગંભીર વાંધા નોંધાવ્યા છે. નિરીક્ષણ દરમિયાન રેકોર્ડ બુકમાં માહિતી વારંવાર કોપી-પેસ્ટ કરાયેલી અને શંકાસ્પદ જણાઈ હતી. ઉપરાંત લેબોરેટરીમાં જરૂરી સાધનોનો અભાવ અને સ્ટાફને પૂરતી તાલીમ ન હોવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો.
અહેવાલમાં જણાવાયું છે કે છાણી, વેમાલી, રાજીવનગર, ભાયલી, સયાજી બાગ અને કપુરાઈ સહિતના STPમાં BOD પરીક્ષણ માટે વપરાતી 330 મિલી બોટલોમાં માત્ર 300 મિલી નમૂના ભરી ઉપર 30 મિલી જગ્યા ખાલી રાખવામાં આવતી હતી. વૈજ્ઞાનિક ધોરણ મુજબ બોટલ સંપૂર્ણ ગળા સુધી ભરવી જરૂરી હોવા છતાં ખાલી જગ્યામાં રહેલી હવાના કારણે BODનું પ્રમાણ વાસ્તવિકતા કરતાં ઓછું દર્શાવાતું હોવાનું સમિતિએ નોંધ્યું છે. આ પ્રક્રિયાને ગંભીર તકનિકી ખામી ગણાવી યોગ્ય સુધારાની ભલામણ કરવામાં આવી છે.
અહેવાલમાં વિશ્વામિત્રી નદીના કુદરતીવળાંકો, કોતરો અને નજીકના તળાવોનું પુનઃજોડાણ કરવા, માટીનું ધોવાણ અટકાવવા સિમેન્ટની દીવાલોને બદલે કુદરતી પદ્ધતિઓ અપનાવવા તેમજ ઘાસ અને વૃક્ષોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ ભૂગર્ભ જળના ઘટતા સ્તર અને વધતી ખારાશ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં નવા બોરવેલ પર પ્રતિબંધ મૂકવા તેમજ હાલના બોરવેલ તબક્કાવાર બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ ઉપરવાસના વિસ્તારોમાં નાના ઇકોલોજિકલ ચેકડેમ અને ડિટેન્શન પોન્ડ્સનું નિર્માણ કરી આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી છોડાતા પાણીનો વેગ ઘટાડવા તેમજ પાણીનું ભૂગર્ભમાં પુનઃભરણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત તળાવો અને વેટલેન્ડ્સના પુનર્જીવન માટે પણ જરૂરી પગલાં લેવા સમિતિએ ભલામણ કરી છે.
વિશ્વામિત્રીમાંથી કાટમાળ હટાવવાના એક્શન પ્લાનનો અમલ નહીં થાય અને પૂર આવશે તો જવાબદાર અધિકારી રહેશે
વિશ્વામિત્રી નદીમાં કાટમાળ હટાવવાનો એક્શન પ્લાન નો અમલ નહીં થાય તો આગામી વર્ષમાં જો પૂરની પરિસ્થિતિ સર્જાશે તો તેના માટે જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ રહેશે તેવી ગંભીર ચેતવણી અહેવાલમાં આપી છે. સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે, વિશ્વામિત્રી નદીના કિનારાના વિસ્તારોમાં વર્ષોથી પડેલો તેમજ નવો ઠલવાતો કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) કચરો નદીની ચોમાસામાં પાણી વહન કરવાની ક્ષમતાને ગંભીર રીતે અસર પહોંચાડી રહ્યો છે જે અટકાવવા માટે એકશન પ્લાન રજૂ કરવામાં આવ્યો નથી.
સમિતિએ અહેવાલમાં ગંભીર નોંધ લીધી છે કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટનો અમલ થયા બાદ પણ નદીમાં ઠેર ઠેર કાટમાલ ઠલવાઈ રહ્યો છે તેને દૂર કરવા માટે કોર્પોરેશનને એક્શન પ્લાન બનાવવા પણ સૂચન કર્યું છે છતાં છેલ્લા નવ મહિનાથી C&D કચરો દૂર કરવા માટે કોઈ અસરકારક એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો નથી. કચરાના સ્થળોની ઓળખ તેમજ તેના જથ્થાનું મૂલ્યાંકન પણ હજુ સુધી પૂર્ણ થયું નથી. સમિતિએ આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની કામગીરીને ઉદાસીન ગણાવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં અતિવૃષ્ટિના કારણે પૂર અથવા પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે તો તેના કારણે થતા નુકસાન માટે મહાનગરપાલિકા અને તેના ઉચ્ચ અધિકારીઓ જવાબદાર રહેશે.









