Baroda

પાંચ વર્ષ ધક્કા ખવડાવ્યા, RTI કરી ત્યારે ડિગ્રી આપી, એસસી હોવાથી હેરાન કરાયો : પૂર્વ વિદ્યાર્થીના MSU સત્તાધીશો સામે આક્ષેપો

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરાની MSU યુનિવર્સિટીમાં પૂર્વ વિદ્યાર્થી કૃપાંગ સોલંકીએ જાતિવાદી ભેદભાવનો આરોપ લગાવ્યો છે. 2018માં એડમિશન લીધા બાદ 2021માં અભ્યાસ પૂરો થવા છતાં 5 વર્ષ સુધી ડિગ્રી ન મળતાં RTI કરતા ડિગ્રી મળી હતી. તેણે વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર પર SC હોવાથી હેરાન કરવાનો આક્ષેપ કર્યો છે. રજિસ્ટ્રારે તમામ આરોપોને હાસ્યાસ્પદ ગણી ફગાવ્યા છે, અને જણાવ્યું કે વિદ્યાર્થીએ પ્રક્રિયા પૂર્ણ કરી ન હતી. આ મામલે મુખ્યમંત્રીને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાંચ વર્ષ ધક્કા ખવડાવ્યા, RTI કરી ત્યારે ડિગ્રી આપી, એસસી હોવાથી હેરાન કરાયો : પૂર્વ વિદ્યાર્થીના MSU સત્તાધીશો સામે આક્ષેપો

Vadodara MSU Controversy : અભ્યાસ પૂરો થઈ ગયા બાદ પાંચ વર્ષ સુધી ડિગ્રી માટે ધક્કા ખવડાવ્યા બાદ આરટીઆઈ કરી ત્યારે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ડિગ્રી આપી હોવાનો આક્ષેપ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીએ કર્યો છે. પૂર્વ વિદ્યાર્થીએ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રારે જાતિવાદી વલણ અપનાવીને હેરાનગતિ કરી હોવાનું ચોંકાવનારુ નિવેદન પણ આપ્યું છે.
પૂર્વ વિદ્યાર્થી કૃપાંગ સોલંકીનું કહેવું છે કે, મેં 2018માં આર્ટસ ફેકલ્ટીમાં એડમિશન લીધું હતું અને નવેમ્બર 2021માં અભ્યાસ પૂરો કર્યો હતો. આમ છતા સત્તાધીશોએ મને વર્ષો સુધી ડિગ્રીથી વંચિત રાખ્યો હતો. વારંવાર રજૂઆતો કરી હોવા છતા મને ગેરમાર્ગે દોરતા જવાબો આપ્યા હતા અને ખોટા ફોર્મ ભરાવ્યા હતા. આખરે મેં તાજેતરમાં આ બાબતે આરટીઆઈ કરી એ પછી ફર્સ્ટ અપીલ વખતે મને ડિગ્રી આપવામાં આવી હતી. પૂર્વ વિદ્યાર્થીનું કહેવું છે કે, આ મામલે મેં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં પણ ફરિયાદ કરી છે. યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓએ આયોગને પણ ગેરમાર્ગે દોરતા જવાબો આપ્યા છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે અને ડો.ચૂડાસમા જાતિવાદી માનસિકતા ધરાવે છે અને મને SC હોવાથી હેરાન કર્યો છે. પૂર્વ વિદ્યાર્થીએ આ બાબતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસની પણ માગ કરી છે.

રજિસ્ટ્રારે શું કહ્યું

દરમિયાન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ પૂર્વ વિદ્યાર્થીના તમામ આરોપોને હાસ્યાસ્પદ ગણીને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, ડિગ્રી આપવા સાથે રજિસ્ટ્રાર અને વાઈસ ચાન્સેલરને કશું લાગતું વળગતું નથી અને વિદ્યાર્થીને તેની જાતિના આધારે અભ્યાસ દરમિયાન કોઈ અન્યાય થયો નથી. આ વિદ્યાર્થીને એક વિષયની પરીક્ષા પાસ કરવાની બાકી હતી અને તે તેણે 2023માં પાસ કરી હતી. આમ 2023માં તેને ડિગ્રી મળે તેમ હતી. જોકે તેણે ડિગ્રી માટે ફોર્મ, ડિગ્રીની ફી ભરવા સહિતની પ્રક્રિયા કરી નહોતી. ૩ વર્ષ સુધી તેણે ડિગ્રી લેવા કોઈ કાર્યવાહી કરી નહોતી. 2026માં તેણે ડિગ્રી માટે સીધી આરટીઆઈ કરી એ પછી એક વખત મારા સંપર્કમાં આવ્યો હતો. મેં તેને ડિગ્રી મેળવવાની પ્રક્રિયા માટે માર્ગદર્શન આપ્યું હતું અને તેને પરીક્ષા વિભાગમાંથી ડિગ્રી તરત મળી ગઈ હતી. નેશનલ કમિશન સમક્ષ પણ સુનાવણી દરમિયાન યુનિવર્સિટીએ પોતાની વાત રજૂ કરી છે અને જાતિવાદના આધારે ભેદભાવ કરવાનો યુનિવર્સિટીનો ઈરાદો ના હોય તેવું ભારપૂર્વક જણાવ્યું છે.