મુખ્યમંત્રીના ઈ-લોકાર્પણ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના વરણામા સ્થિત ત્રિમંદિર ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૃ. ૧૨૯૭ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સયાજીબાગના ડો. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક તેમજ કલ્યાણનગર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવનનું પણ લોકાર્પણ કરાયું છે. જોકે આ ઈ-લોકાર્પણ કાર્યક્રમને લઈને ભીમ સંકલ્પ સમિતિએ વિરોધ નોંધાવ્યો છે.
સયાજીબાગ ખાતે ભીમ સંકલ્પ સમિતિના કાર્યકરો એકત્ર થયા હતા. આ દરમિયાન પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે. સ્મારકના લોકાર્પણને લઈને સમિતિના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.
સમિતિના આગેવાને કહ્યું કે અન્ય મહાપુરુષોની પ્રતિમાના અનાવરણ કે ઉજવણી માટે લાખો રૃપિયાનો ખર્ચ કરાય છે, જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકરના સ્મારકનું ચોરીછૂપીથી લોકાર્પણ કરાયું છે, જે અમે સ્વીકારીશું નહીં. વડોદરામાં સામાન્ય કાર્યક્રમોમાં હાજરી આપવા આવતા નેતાઓ બેનરો લગાવીને પ્રચાર કરે છે અને ઢંઢેરો પીટે છે, ત્યારે આંબેડકર સ્મારકના લોકાર્પણમાં ભેદભાવ કેમ કરાયો તેવો સવાલ પણ સમિતિ દ્વારા ઉઠાવાયો છે.
વધુમાં ઉમેર્યું કે આગામી ૨૩ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ વડોદરા આવી રહ્યાં છે ત્યારે તેમના હસ્તે પણ સ્મારકનું લોકાર્પણ થઈ શક્યું હોત.




