Baroda

વડોદરા એફઆરસી સમક્ષ ખાનગી સ્કૂલો ફી મંજૂરી માટેની દરખાસ્તો રજૂ નહીં કરે

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે FRC સમક્ષ ફી વધારાની દરખાસ્ત રજૂ ન કરવાનો નિર્ણય લીધો છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યની ખાનગી શાળાઓ આ આંદોલનમાં જોડાઈ છે. સરકાર તેમની માંગણીઓ, જેમ કે RTE ફી વધારવા અને બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવા, પર ધ્યાન ન આપતી હોવાથી આ પગલું ભરાયું છે. DEO કચેરીએ 9 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે, જે 15 ઓક્ટોબર સુધી લંબાવાય તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા એફઆરસી સમક્ષ ખાનગી સ્કૂલો ફી મંજૂરી માટેની દરખાસ્તો રજૂ નહીં કરે

રાજ્યમાં વડોદરા ઝોન સહિતના તમામ ઝોનની એફઆરસી દ્વારા ૨૦૨૭-૨૮, ૨૦૨૮-૨૯ અને ૨૦૨૯-૩૦ એમ ત્રણ શૈક્ષણિક વર્ષની ફી નક્કી કરવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાની માગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપતી હોવાનું કારણ આપીને અસહકારનું આંદોલન છેડયું છે.
રાજ્યના સંચાલક મંડળના ઉપપ્રમુખ ઉત્પલ શાહે કહ્યું હતું કે, અસહકારના આંદોલનના ભાગરુપે ખાનગી સ્કૂલો એફઆરસી સમક્ષ ફી વધારા માટેની દરખાસ્ત રજૂ નહીં કરે.જેના ભાગરુપે વડોદરામાં પણ અત્યાર સુધીમાં ખાનગી સ્કૂલોએ ફી વધારાની દરખાસ્ત રજૂ કરી નથી.અમે એફઆરસીની કાર્યવાહીને સરળ બનાવવાની, આરટીઈ હેઠળ જે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે તેમની ફી વધારવા માટે તથા સ્કૂલોના સંચાલનમાં સરકારનો બિન જરુરી હસ્તક્ષેપ દૂર કરવા માટે રજૂઆત કરી છે પણ સરકારે તેના પર કોઈ ધ્યાન આપ્યું નથી.જ્યાં સુધી સરકાર અમારી માગણીઓ પર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી એફઆરસીની કાર્યવાહીથી ખાનગી સ્કૂલો દૂર રહેશે.જોકે અત્યાર સુધીમાં કેટલી સ્કૂલોએ દરખાસ્ત રજૂ કરી છે તે અંગે ડીઈઓ કચેરી પાસેથી જાણકારી મળી શકી નહોતી.બીજી તરફ વડોદરા ઝોનમાં ફી વધારાની દરખાસ્તો રજૂ કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા તા.૯ ઓકટોબર સુધીનો સમય અપાયો છે.જેની સામે પણ શાળા સંચાલકોનો વિરોધ છે.અન્ય એક સંગઠન શાળા સંચાલક મંડળે આજે ડીઈઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, એફઆરસીના નિયમ પ્રમાણે ફી વધારાની દરખાસ્તો રજૂ કરવા માટે ૩૧ ઓકટોબર સુધીનો સમય આપવામાં આવે.

૧૧૦૦ જેટલી સ્કૂલોના એફિડેવિટને મંજૂરી
એફઆરસીના સૂત્રોએ કહ્યું હતું કે, સરકારની નિયત કરેલી મર્યાદામાં ફી લેતી સ્કૂલોએ એફઆરસી એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને ગત વર્ષથી આ કાર્યવાહી ઓનલાઈન કરી દેવામાં આવી છે.આ વખતે પણ એફિડેવિટ રજૂ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓકટોબર છે અને અત્યાર સુધીમાં વડોદરા ઝોનમાંથી ૧૧૦૦ જેટલી સ્કૂલોના એફિડેવિટને ચકાસણી કરીને મંજૂરી આપી દેવામાં આવી છે.બાકીની ૪૦૦ જેટલી સ્કૂલોના એફિડેવિટ કોઈને કોઈ તબક્કે ચકાસણીની પ્રક્રિયામાં છે.

સમય મર્યાદા લંબાવીને ૧૫ ઓકટોબર કરાય તેવી શક્યતા
ડીઈઓ કચેરીના સૂત્રોની દલીલ એવી છે કે, ૩૧ ઓકટોબર દરખાસ્તો રજૂ કરવાની છેલ્લા તારીખ હોય છે પણ સંખ્યાબંધ સ્કૂલો એવી હોય છે કે જેમની દરખાસ્તોમાં અધૂરી જાણકારી હોય છે.જેના કારણે છેલ્લી ઘડીએ દરખાસ્ત રજૂ કરતી સ્કૂલો પાસેથી જાણકારી મેળવવામાં તા.૩૧ ઓકટોબરની સમય મર્યાદા પૂરી થઈ જાય છે.જેના કારણે આ વખતે દરખાસ્તો રજૂ કરવા માટે ૯ ઓકટોબરની મુદત રાખવામાં આવી હતી.જેથી જરુર પડે તો સ્કૂલો પાસે જાણકારી કે દસ્તાવેજો મંગાવવા માટે સમય રહે.શાળા સંચાલક મંડળની તારીખ લંબાવવાની માગ બાદ આ સમય મર્યાદા ૧૫ ઓકટોબર સુધીની કરવામાં આવે તેવી શક્યતા છે.