કોર્પોરેશનની ટેન્ડર પ્રક્રિયામાં મુશ્કેલીઓ દૂર કરવા રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સીટી ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન દ્વારા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશનના નેજા હેઠળ મ્યુનિ.કમિશ્નરને ટેન્ડર પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટરોને પડતી વિવિધ મશ્કેલીઓના નિરાકરણ માટે ૧૭ મુદ્દાની રજૂઆત કરાઈ છે.
એસોસિયેશન દ્વારા જણાવાયું છે કે રોડ રીસર્ફેસિંગ માટે સરકારના નિયમ મુજબ એક વર્ષ અને રોડ મજબૂતીકરણ માટે ચાર વર્ષનો સમયગાળો હોય છે. તેમ છતાં કોર્પોરેશન દ્વારા બંનેમાં પાંચ વર્ષની સમાન શરત લાદવામાં આવે છે. આ શરતમાં સુધારો કરવા જણાવાયું છે.
આ ઉપરાંત સભા દ્વારા મંજૂર કરવામાં આવેલા કોવિડ સમયગાળાના ભાવવધારાના નાણાંનું બાકી ચુકવણું તાકીદે કરવા રજૂઆત કરાઈ છે. ટેન્ડરમાં સિક્યુરિટિ ડિપોઝીટ પેટે ૫ ટકા અને રિટેન્શન મની પેટે ૫ ટકા મળી કુલ ૧૦ ટકા રકમ છૂટી કરવાની પણ માગ કરાઈ છે.
કોન્ટ્રાક્ટરોએ ૧૦ ફૂટ કે તેથી વધુ ઊંડી ચરી હોય તેવા સ્થળે ચોમાસા દરમિયાન નેચરલ સેટલમેન્ટ થવા દેવામાં આવે અને ત્યારબાદ જ રોડનું કાર્પેટિંગ કરવા જણાવાયું છે, જેથી રસ્તો બેસી જવા કે તૂટી જવાની સમસ્યા ઊભી થાય નહીં.
ઝોન કક્ષાએ બિલ મંજૂર કરવાની નાણાકીય સત્તાની મર્યાદા રૃા. ૫ લાખથી વધારી રૃા. ૧૫ લાખ કરવાની જોગવાઈ કરવા પણ એસોસિયેશને માગ કરી છે. સાથે જ જીએસટી ૧૨ ટકાથી વધીને ૧૮ ટકા થયો હોવાથી બાકી રહેલા ૬ ટકાના તફાવતની રકમનું નિયમિત રીતે ચૂકવણું કરવા પણ રજૂઆત કરાઈ છે.




