પોલીસ અધિકારીની સ્વિમિંગમાં શાનદાર સિદ્ધિ : PI એચ.એલ. આહીરે સ્વિમિંગમાં સાત મેડલ જીત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા ખાતે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એચ.એલ.આહીરે ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત જીમખાના સ્વિમિંગ પુલ ખાતે યોજાયેલી ડીજીપી એક્વેટિક્સ એન્ડ ક્રોસ કન્ટ્રી મીટ-2026ની સ્વિમિંગ સ્પર્ધામાં સાત મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ સ્પર્ધામાં સશસ્ત્ર અને બિનસશસ્ત્ર પોલીસ એકમોના 18થી 58 વર્ષ સુધીની વયના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમાં પીઆઈ એચ.એલ.આહીરે 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં સુવર્ણ ચંદ્રક, 800 મીટર ફ્રી સ્ટાઇલમાં રજત ચંદ્રક અને 4x50 મીટર ફ્રી સ્ટાઇલ રિલે તથા 4x50 મીટર મેડલે રિલેમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.
આ ઉપરાંત તેમણે 200 મીટર, 100 મીટર અને 50 મીટર બેક સ્ટ્રોકમાં કાંસ્ય ચંદ્રક મેળવી કુલ સાત મેડલ પોતાના નામે કર્યા છે. આ સિદ્ધિના પગલે તેમની હરિયાણાના માનેસર ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ડીજીપી એક્વેટિક્સ એન્ડ ક્રોસ કન્ટ્રી મીટ-2026 માટે પસંદગી થઈ છે.
પીઆઈ એચ.એલ. આહીરે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાની વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓમાં કુલ 117 મેડલ હાંસલ કર્યા છે. તેઓ હરિયાણાના બહાદુરગઢ ખાતે યોજાનારી 22મી નેશનલ માસ્ટર્સ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ-2026માં પણ ભાગ લેશે.
આ ઉપરાંત બેંગલુરુ, કર્ણાટક ખાતે 4થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાનારી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ-2026 માટે પણ તેમની પસંદગી થઈ છે. પીઆઈ આહીરના નામે 12 કલાક નોનસ્ટોપ સ્વિમિંગનો વિશ્વ વિક્રમ પણ નોંધાયેલ છે.




