એમ.એસ.યુનિ.માં 500 કેવીની ક્ષમતા ધરાવતી સોલાર પેનલો લગાવવાની યોજના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આગામી નેક રેટિંગને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ હવે ગ્રીન કેમ્પસ પર ભાર મૂકવાનું શરુ કર્યું છે અને તેના ભાગરુપે નજીકના ભવિષ્યમાં યુનિવર્સિટીના વિવિધ બિલ્ડિંગો પર ૫૦૦ કેવીની ક્ષમતા ધરાવતી સોલાર પેનલો લગાવવાની યોજના ઘડવામાં આવી છે.
મળતી જાણકારી પ્રમાણે અત્યારે યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી, હંસા મહેતા લાઈબ્રેરી, ચં.ચી.મહેતા ઓડિટોરિયમ, યુનિટ બિલ્ડિંગ, યુનિવર્ટી હેડ ઓફિસ, મેનેજમેન્ટ ફેકલ્ટી અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીની બિલ્ડિંગો પર ૧૦૦૦ કેવીની ક્ષમતા ધરાવતી સોલાર પેનલો પહેલેથી જ લાગેલી છે.
તેમાં વધારો કરવાની યોજનાના ભાગરુપે સૌથી પહેલા યુનિવર્સિટી હોસ્ટેલના બિલ્ડિંગો પર ૧૪૩ કેવીની ક્ષમતા ધરાવતી સોલાર પેનલો લગાવવામાં આવશે.આ ઉપરાંત બીજા કેટલાક બિલ્ડિંગોનો પણ સર્વે કરવામાં આવ્યો છે.સૂત્રોનું કહેવું છે કે, હોસ્ટેલ પર સોલાર પેનલો લગાવવા પાછળ ૮૦ લાખના ખર્ચનો અંદાજ છે અને ૫૦૦ કેવીની પેનલો લગાવવા પાછળ ૩ કરોડ રુપિયાના ખર્ચનું અનુમાન છે.આ માટે સરકાર પાસેથી નાણાકીય સહાય માગવા માટે પ્રસ્તાવ તૈયાર કરાશે.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના નેકના વર્તમાન રેટિંગની સમય મર્યાદા ૨૦૨૭માં પૂરી થાય છે અને તેને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી છે.




