નેક રેટિંગ મેળવવાના ભાગરુપે યુનિ.ના 50000 વિદ્યાર્થીઓના અભિપ્રાય લેવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન નેક રેટિંગની મુદત ૨૦૨૭માં પૂરી થઈ રહી છે અને નવેસરથી થનારી રેટિંગની પ્રક્રિયા માટે તૈયારીઓ શરુ કરી છે.જેના ભાગરુપે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૫૦૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો અને કર્મચારીઓના યુનિવર્સિટીના વિવિધ પાસા અંગે અભિપ્રાય લેવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ૪૦ પ્રશ્નોનું એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.જેનું દરેક ફેકલ્ટીને વિદ્યાર્થીઓમાં ઓનલાઈન વિતરણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ફેકલ્ટીઓના કેટલાક વિભાગોએ આ ફોર્મ ભરીને ઓનલાઈન સબમિટ કરવા માટે વિદ્યાર્થીઓને સૂચના પણ આપી દીધી છે.ફોર્મમાં કેરિયર કાઉન્સિલિંગ, સારવાર માટેની સુવિધાઓ, વોશરુમની સુવિધાઓ જેવી સગવડો, યુનિવર્સિટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ અને ભાવિ કેરિયર માટે પૂરી પડાતી તકો , કેમ્પસમાં સુરક્ષા, જેન્ડર ઈક્વાલિટી સહિતની બાબતો અંગે વિદ્યાર્થીઓને અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું છે.હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કેટલાક અલાયદા પ્રશ્નોનો ફોર્મમાં સમાવેશ કરાયો છે.તેની સાથે સાથે યુનિવર્સિટીના મજબૂત પાસા શું છે અને કયા પ્રકારના સુધારા કરવા જોઈએ તે અંગે પણ વિદ્યાર્થીઓનો અભિપ્રાય માગવામાં આવ્યો છે.હાલમાં યુનિવર્સિટીને એ પ્લસ રેટિંગ મળેલું છે.જોકે ૨૦૨૭માં નેકના રેટિંગની પ્રક્રિયા પહેલા કાયમી અધ્યાપકોની ભરતી નહીં થાય તો યુનિવર્સિટી માટે એ પ્લસ રેટિંગ જાળવવું મુશ્કેલ બની શકે છે.




