હવે શહેરીજનો હોસ્પિટલ બિલ ચૂકવવા ક્રેડિટ કાર્ડ કે ઈએમઆઈનો સહારો લે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તબીબી સારવાર પાછળ વધતો જતો ખર્ચ લોકોને ભારે પડી રહ્યો છે. મેડિકલ ઈન્સ્યોરન્સ હોવા છતાં પણ ઘણા કિસ્સામાં લોકોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે.જેના કારણે હવે મેડિકલ ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ પર અને ઈએમઆઈ પર પણ શહેરીજનો આધાર રાખતા થઈ ગયા છે તેવું મેનેજમેન્ટ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ એમબીએ પ્રોગ્રામની વિદ્યાર્થિનીએ હાથ ધરેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે.
દામિની થાપા નામની વિદ્યાર્થિનીએ ફેકલ્ટી ડીન અને પ્રોફેસર સુનિતા શર્માના હાથ નીચે વડોદરામાં લોકો મેડિકલ પાછળ થતો ખર્ચ કેવી રીતે ચૂકવે છે તેના પર અભ્યાસ કર્યો હતો અને તેમાં ૩૮ ટકા લોકોએ ઈએમઆઈ અને ક્રેડિટ કાર્ડ પર આધાર રાખતા હોવાનું કહ્યું હતું.જોકે બાકીનાએ આવી જરુર નહીં પડતી હોવાનું સ્વીકાર્યું હતું.વિદ્યાર્થિનીનું કહેવું છે કે ૮૬ ટકા લોકો માને છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં મેડિકલ પાછળ થતા ખર્ચમાં ભારે વધારો થયો છે.આ સર્વેમાં ૧૮ થી ૬૦ વર્ષના ૭૫ લોકોનો મેં સમાવેશ કર્યો હતો.જેમાંથી ૭૩ ટકા લોકો પાસે મેડિક્લેઈમ હતો.જોકે ઈન્સ્યોરન્સ કંપનીઓ ઘણા મેડિકલ ખર્ચ પોલિસીમાં કવર નહીં કરતી હોવાથી ૫૦ ટકા જેટલા લોકોએ ૧૦૦૦૦ રુપિયા સુધીની રકમ પોતાના ખિસ્સામાંથી ચૂકવી હોવાનું પણ કહ્યું હતું.૩૭ ટકા વડોદરાવાસીઓ એવું પણ માને છે કે, દેવુ થવા પાછળનું એક કારણ હોસ્પિટલના તોતિંગ બિલ પણ છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ લોકો બિલની ચિંતા કરે છે
આ અભ્યાસમાં લોકોએ બીજા પણ કેટલાક ચોંકાવનારા અભિપ્રાય આપ્યા હતા જેમકે,
--૨૫ ટકા લોકોના મેડિક્લેઈમ પૂરેપૂરા કે અશંતઃ નકારવામાં આવ્યા હતા.જ્યારે પૂરેપૂરો ક્લેઈમ પાસ થયો હોવાનું કહેનારા ૩૪ ટકા હતા
--હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૫૭ ટકા લોકોને સાજા થવાની તો ૨૪ ટકાને હોસ્પિટલના બિલની અને ૧૩ ટકાને પેપર વર્કની ચિંતા
--૪૪ ટકાને હોસ્પિટલે કેવી રીતે બિલ બનાવ્યું અને તેમાં શું છે તેની સમજ પડતી નથી
--અપેક્ષા કરતા બિલ વધી જાય તો ૪૦ ટકા લોકો બચતમાંથી પૈસા ચૂકવે છે
--જેમની પાસે મેડિકલ પોલિસી છે તે પૈકી ૫૭ ટકા પ્રાઈવેટ કંપનીની પોલિસી ધરાવે છે તો પોલિસી વગર રોકડેથી બિલ ચૂકવનારાઓની સંખ્યા ૧૩ ટકા જેટલી છે
--સારવાર મોંઘી થઈ છે પણ તેનાથી લગભગ ૯૦ ટકા લોકોને વત્તા ઓછા અંશે સંતોષ છે
અભ્યાસના આધારે કરાયેલા સૂચનો
--હોસ્પિટલોને બિલિંગ સિસ્ટમ વધારે પારદર્શી બનાવવાની ફરજ પાડવી જોઈએ
--ઈન્સ્યોરન્સ પોલિસીનો વ્યાપ વધારીને વધારે પ્રકારની બીમારી કવર થવી જોઈએ
--હોસ્પિટલોમાં ફાઈનાન્સિયલ કાઉન્સિલિંગની વ્યવસ્થા હોવી જોઈએ
--મેડિક્લેઈમની ચૂકવણી વધારે ઝડપી અને સરળ બનાવવાની જરુર









