Baroda

ઉદ્ધાટન માટે રાજકીય નેતાનો સમય નહી મળતા મહી નદી પર નવો ગંભીરા બ્રિજ તૈયાર પરંતુ ખુલ્લો મૂકાતો નથી

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરા અને આણંદને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૈયાર છે, પણ ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. ગયા વર્ષે તૂટેલા જૂના બ્રિજ પછી નવો બ્રિજ સમયસર બન્યો છે. લોડ ટેસ્ટ પણ પૂર્ણ છે. રાજકીય નેતાના હસ્તે ઉદ્ઘાટન માટે તંત્ર કમર કસી રહ્યું છે, પણ નેતાઓનો સમય ન મળતાં વાહનવ્યવહાર શરૂ થયો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉદ્ધાટન માટે રાજકીય નેતાનો સમય નહી મળતા મહી નદી પર નવો ગંભીરા  બ્રિજ તૈયાર પરંતુ ખુલ્લો મૂકાતો નથી

વડોદરા જિલ્લા તેમજ આણંદ જિલ્લાને જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ નવો બ્રિજ તૈયાર થઇ ઉદ્ધાટનની રાહ જોઇ રહ્યો છે. કોઇ રાજકીય નેતાના હાથે ઉદ્ધાટન કરાવવા માટે તંત્રે કમર કસી છે પરંતુ રાજનેતાઓ દ્વારા હજી સુધી સમયની ફાળવણી નહી થઇ હોવાથી મહી નદી પરના આ માર્ગ પરની અવરજવર શરૃ થઇ નથી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઇ માસમાં ગંભીરા નદી પરનો જૂનો બ્રિજ તૂટી પડવાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. આ બ્રિજ તૂટી પડયા બાદ વડોદરા જિલ્લાના પાદરા તાલુકા તેમજ આણંદ જિલ્લાને જોડતો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. જો કે સરકાર દ્વારા તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળ્યા બાદ તાબડતોબ કામ શરૃ કરવામાં આવ્યું હતું. આ નવા બ્રિજનું નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ પણ થઇ ગયું છે.
બ્રિજની બંને બાજુ એપ્રોચ રોડ પણ બનીને તૈયાર છે અને તેના પર લોડ ટેસ્ટ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. હવે માત્ર આ બ્રિજ પરથી વાહનો પસાર થાય તેની રાહ જોવાઇ રહી છે. નજીકમાં જૂના બ્રિજ પર કામચલાઉ અવરજવરને મંજૂરી મળ્યા બાદ આ બ્રિજ પરથી વાહનચાલકો રોજ રાહ જોઇ રહ્યા છે કે હવે નવા બ્રિજ પરથી સરળતાથી ક્યારે પસાર થઇ શકીશું. જો કે હજી પણ વાહનચાલકોએ આ બ્રિજ પરથી પસાર થવા માટે લાંબી રાહ જોવી પડે તેમ છે.
રાજ્યમાં સામાન્ય રીતે કોઇપણ વિકાસકામ પૂર્ણ થાય ત્યારે વાહ વાહી મેળવવા માટે રાજકીય નેતા દ્વારા જ તેનું ઉદ્ધાટન થાય તેનો આગ્રહ રાખવામાં આવે છે. પ્રોજેક્ટ તૈયાર થઇને ભલે દિવસો સુધી પડયો રહે પરંતુ જ્યારે કોઇ મોટા નેતા ઉદ્ધાટન માટેનો સમય ફાળવે ત્યારે નવો પ્રોજેક્ટ તૈયાર થયો કહેવાય. આવી જ સ્થિતિ ગંભીરા બ્રિજની છે. નદી પર નવો બ્રિજ તૈયાર થઇ ગયો છે પરંતુ તેને વાહન વ્યવહાર માટે હજી સુધી ખુલ્લો મૂકાયો નથી. વડાપ્રધાનના હસ્તે આ બ્રિજનું ઇ-લોકાર્પણ થાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી તે નિશ્ચિત થઇ શક્યું નથી. બ્રિજ પરથી પસાર થવા માટે લોકોએ હજી લાંબી રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.