ભાઈ-ભાભી સામે નણંદની વળતી ફરિયાદ : ‘ભાઈ-ભાભી માતા-પિતાને હેરાન કરે છે’ કહી સમજાવવા ગયેલી નણંદ પર તલવારથી હુમલાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં ભાઈ-બહેન વચ્ચેનો પારિવારિક ઝઘડો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. અગાઉ ભાભીએ ત્રણ નણંદ અને એક પુત્રી સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે નણંદે પોતાના ભાઈ, ભાભી સહિત ચાર લોકો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના પ્રતિમાબેન મસ્કેએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ભાઈ મહેશ કાશીરામ મોરે ડભોઈ રોડ પર આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહે છે. ગત 21 ઓગસ્ટના રોજ તેઓ વડોદરામાં હતા ત્યારે તેમની માતાએ ફોન કરી જણાવ્યું હતું કે, મહેશ તેમને અને તેમના પતિને હેરાન કરે છે અને જમવાનું પણ આપતો નથી, જેના કારણે બહારથી ટિફિન મંગાવીને જમવું પડે છે.
માતાની વાત સાંભળ્યા બાદ પ્રતિમાબેન 23 ઓગસ્ટના રોજ ભાઈને સમજાવવા માટે તેમના ઘરે ગયા હતા. તે સમયે મહેશ મોરે, તેમની પત્ની સીમા ઉર્ફે પૂજા, પુત્ર પ્રતિક અને પુત્રી હર્ષાલી ઘરે હાજર હતા.
ફરિયાદ મુજબ, પ્રતિમાબેન ઘરે પહોંચતા ભાભી સીમાએ ‘તું મારા ઘરે કેમ આવી?’ તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ચારેયે ભેગા મળી ગાળો આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન પુત્ર પ્રતિકે પોતાના પિતાને ‘તમે આને પકડી રાખો, હું તલવાર લઈને આવું છું’ તેમ કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ પ્રતિક તલવાર લઈને આવતાં પ્રતિમાબેન જીવ બચાવવા માટે ઘર બહાર નાસી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે.
કપુરાઈ પોલીસે પ્રતિમાબેનની ફરિયાદના આધારે મહેશ, સીમા ઉર્ફે પૂજા તથા પ્રતિક અને હર્ષાલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પરિવારિક વિવાદમાં અગાઉ સીમા મોરેની ફરિયાદના આધારે પોલીસે ત્રણ નણંદ અને એક પુત્રી સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો.




