અકોટામાં ગેરકાયદે એલોપથીની પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈ પકડાયા, દવાઓનો મોટો જથ્થો કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Bogus Doctor : વડોદરા શહેર અને જિલ્લામાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા અનેક ડોક્ટરો ફૂટી નીકળ્યા હોવાથી તેમની સામે અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અકોટા વિસ્તારમાં આવા જ એક મુન્નાભાઈ પોલીસના હાથે લાગી જતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહીને પગલે ડિગ્રી વગર ગેરકાયદે પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસની આવી ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેનાર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
એક સપ્તાહ પહેલા જ વડોદરાના રાયપુરા અને ગાજરાવાડીમાંથી બોગસ ડોક્ટર પકડાયા હતા
કોઈપણ પ્રકારની ડીગ્રી નહીં હોવા છતાં એલોપથીની પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે ગંભીર ચેડાં કરતા મુન્નાભાઈ સામે એક સપ્તાહ પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વડોદરા પાસેના રાયપુરા ગામે એક મકાનમાં દવાખાનું ચલાવતા બંગાળના અસીમ શંખારીને પોલીસે દવાઓ અને ઇન્જેક્શન સાથે ઝડપી પાડી કેસ કર્યો હતો. તે પહેલા માર્ચ મહિનામાં પણ શહેરના ગાજરાવાડીમાં ચલાવતા ધવલ કવાડ (રહે-મહુવા, ભાવનગર) ને પણ પોલીસે એલોપેથી દવાઓ સાથે ઝડપી પાડી કેસ કર્યો હતો.
અકોટામાં પ્રોમિલા ક્લિનિકમાં દરોડો, વિશ્વજીત હાલદાર ઝડપાયો
વડોદરા શહેરના અકોટા ગાર્ડનની સામે પ્રોમીલા ક્લિનિકના નામે એક ડોક્ટર ગેરકાયદે પ્રેક્ટિસ કરતો હોવાની વિગતો મળતા અકોટા પોલીસના પીઆઇ ડી.બી બલદાણીયાએ ટીમ સાથે દરોડો પાડયોહતો. પોલીસે ક્લિનિક માંથી વિશ્વજીત પ્રફુલ્લા હાલદાર (મહંમદ વાડી, અકોટા, વડોદરા મૂળ રહે.બગુલા, જી. નડિયા, પશ્ચિમ બંગાળ) ને મેડિકલ પ્રેક્ટિસ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. દસમું ધોરણ ભણેલો ડોક્ટર કેટલા સમયથી પ્રેક્ટિસ કરતો હતો તે મુદ્દે પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
અકોટા પોલીસે પ્રોમિલા ક્લિનિકમાંથી શું શું કબજે કર્યું
જુદી જુદી કંપનીના 162 ઇન્જેક્શન
કફ સીરપની જુદી જુદી 38 બોટલ
જુદી જુદી કંપનીની દવાઓના પત્તા 286 નંગ
જુદી જુદી કંપનીઓની ટ્યુબો નંગ 84
ઓઆરએસના પેકેટસ 30 નંગ
જુદી જુદી કંપનીઓની કેપ્સુલ્સના પત્તા 32 નંગ
ગ્લુકોઝના બોટલ 9 નંગ
ઇન્ફ્યુમીન સેટ 19 નંગ
પ્રેક્ટિસ માટેના વિવિધ સાધનો
એક મોબાઇલ
65000 રોકડા




