MSUમાં વર્ષમાં ત્રણ વખત પીએચડી માટે પ્રવેશ અપાશે, સ્ટુડન્ટસની સંખ્યા 1137 થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સંશોધનને પ્રોત્સાહન મળે તેના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડીના ઉમેદવારોને પ્રવેશ આપવાની પ્રક્રિયા હવે વર્ષમાં ત્રણ વખત હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે બે તબક્કામાં એડમિશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેના પહેલા વર્ષમાં માત્ર એક વખત પીએચડી માટે ઉમેદવારોને પ્રવેશ અપાતો હતો.
વર્ષમાં એકથી વધારે વખત એડમિશન આપવાના નિર્ણયની અસર જોવા મળી રહી છે.ગત વર્ષે બે તબક્કામાં થયેલા એડમિશનમાં ૪૧૫ ઉમેદવારોને પ્રવેશ અપાયો હતો.વર્તમાન શૈક્ષણિક વર્ષમાં તાજેતરમાં જ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેમાં ૧૮૦ ઉમેદવારોએ પ્રવેશ લીધો છે.
પીએચડી માટેના કો ઓર્ડિનેટર અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર પુષ્પનાથનનું કહેવું છે કે, તાજેતરમાં પ્રવેશ લેનારા ઉમેદવારોને ગણતરીમાં લેવામાં આવે તો યુનિવર્સિટીમાં પીએચડી કરતા ઉમેદવારોની કુલ સંખ્યા ૧૧૩૭ પર પહોંચી છે.જેમાં ૪૦ ફોરેન સ્ટુડન્સનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે વધુ બે વખત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. દર વખતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરતા પહેલા ફેકલ્ટીઓ પાસે કેટલા પીએચડી ગાઈડ ઉપલબ્ધ છે તેની જાણકારી પણ મંગાવવામાં આવે છે અને તેના આધારે બેઠકો નક્કી કરવામાં આવે છે.અત્યારના ધારાધોરણ પ્રમાણે દરેક પ્રોફેસર આઠ ઉમેદવારો, એસોસિએટ પ્રોફેસર ૬ ઉમેદવારો અને આસિસ્ટન્ટ પ્રોફેસર ચાર ઉમેદવારોના પીએચડી ગાઈડ તરીકે કામ કરી શકે છે.
દરેક ફેકલ્ટીમાં પીએચડી કરનારાની સંખ્યા
આર્ટસ ૧૭૩
કોમર્સ ૧૨૬
હોમસાયન્સ ૬૭
ફાઈન આરટ્સ ૧૯
લો ૧૩
મેનેજમેન્ટ ૯
મેડિસિન ૬
પરફોર્મિંગ આર્ટસ ૪૬
ફાર્મસી ૧૩
સાયન્સ ૨૩૮
સોશ્યલ વર્ક ૨૮
ટેકનોલોજી ૧૬૨
પ્રવેશ માટે એકથી વધારે વિકલ્પ, ફેલોશિપ મેળવનારને વર્ષમાં ગમે ત્યારે એડમિશન અપાશે
પીએચડીમાં પ્રવેશ માટે અલગ અલગ ધારાધોરણો છે.આમ ઉમેદવારો પાસે હવે પ્રવેશ માટે એકથી વધારે વિકલ્પ ઉપલબ્ધ છે.જેમ કે યુજીસીની નેટ પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા લેવાતી સ્લેટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર પીએચડી પ્રવેશ મેળવી શકે છે.આ જ રીતે યુનિવર્સિટી દ્વારા લેવાતા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર ઉમેદવાર પણ પ્રવેશ માટેની લાયકાત ધરાવે છે.જેમને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી જેવી કેન્દ્રીય સંસ્થાઓની ફેલોશિપ મળતી હોય તેવા ઉમેદવારોને તો વર્ષમાં ગમે ત્યારે પ્રવેશ આપવામાં આવે છે.તેમને એડમિશન પ્રક્રિયા માટે રાહ જોવાની જરુર નથી.
૬૨૧ જગ્યાઓ સામે ૩૯૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ૧૮૦ને પ્રવેશ
તાજેતરમાં પીએચડી માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ૬૨૧ જેટલી જગ્યાઓની સામે યુનિવર્સિટીને ૩૯૪ ઉમેદવારોની અરજીઓ મળી હતી.આ પૈકી ૧૮૦ જેટલા ઉમેદવારોએ પ્રવેશ લીધો હતો.આમ ઘણી જગ્યાઓ ખાલી રહી છે એટલે ઉમેદવારો માટે બીજા અને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશની તક રહેશે.




