MSUના સંશોધકોને દિવેલ, ચોખાની કુસ્કી અને હળદરમાંથી ઈકો ફ્રેન્ડલી કોટિંગ મટિરિયલ બનાવવા બદલ પેટન્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara MS UNiversity : એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ મિકેનિક્સ વિભાગના સંશોધકોએ દિવેલ, ચોખાની કુસ્કી અને હળદરમાંથી ઈકો ફ્રેન્ડલી પોલીયુરેથિન કોટિંગ મટિરિયલ વિકસવવામાં સફળતા મેળવી છે. જેને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પેટન્ટ પણ એનાયત કરવામાં આવી છે.
દોઢથી બે વર્ષની મહેનત બાદ આ મટિરિયલ ડેવપલ કરનાર ડો.રાકેશ શર્મા અને તેમના પીએચડી સ્ટુડન્ટ અને અત્યારે અધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો.વિકાસ ગાવિતનું કહેવું છે કે, બજારમાં મળતા પોલીયુરેથિન કોટિંગ મટિરિયલ સિન્થેટિક કેમિકલ અને પેટ્રોકેમિકલ્સમાંથી બનેલા હોય છે. જેનો ઉપયોગ પેકેજિંગ ઈન્ડસ્ટ્રી, ફૂડ ઈન્ડસ્ટ્રી, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી જેવા સંખ્યાબંધ ક્ષેત્રોમાં કરવામાં આવે છે.
સંશોધકોના કહેવા અનુસાર આ મટિરિયલમાં દિવેલામાંથી મળતા તે એટલે કે દિવેલ, ચોખાની કુસ્કીમાંથી મળતી સિલિકા અને હળદરમાં રહેલા કરક્યુમિન નામના તત્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કરક્યુમિનના કારણે આ મટિરિયલ એન્ટી બેક્ટેરિયલ પણ બન્યું છે. જેમ કે કાપડ પર તેનું કોટિંગ કરવામાં આવે તો બેકટેરિયલ ઈન્ફેક્શન થવાનું જોખમ ઓછુ રહે છે. અથવા તો ફળો જેવા ખાદ્ય પદાર્થોના પેકિંગમાં ઈન્ટરનલ કોટિંગ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. બાયો મેડિકલ મટિરિયલના પેકેજિંગમાં પણ બેકેટરિયાને દૂર રાખવા કોટિંગ મદદરુપ થઈ શકે છે. પોલીયુરેથિન કોટિંગ મટિરિયલની ભારે ડિમાન્ડ હોય છે ત્યારે તેને બનાવવા માટે પરંપરાગત પેટ્રોકેમિકલ્સ પરની નિર્ભરતા આ ઈકો ફ્રેન્ડલી મટિરિયલથી ઘટાડી શકાય છે.
સંપૂર્ણપણે સ્વદેશી મટિરિયલ, કોઈ પણ સરફેસ પર કોટિંગ થઈ શકે છે
ડો.રાકેશ શર્મા અને ડો.વિકાસ ગાવિતના જણાવ્યા અનુસાર ઈકો ફ્રેન્ડલી કોટિંગ મટિરિયલનો મોટામાં મોટો ફાયદો એ છે કે, તેને બનાવવા માટે વિદેશ પર નિર્ભરતા રાખવાની જરુર નથી.તેમાં વપરાયેલું દિવેલ, હળદર અને ચોખાની કુસ્કી ભારતમાં જ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.આ મટિરિયલ ગ્લાસ પર, મેટલ, કપડા એમ કોઈ પણ સપાટી પર કોટિંગ કરવા માટે સક્ષમ છે.




