રાજય સરકાર દ્વારા અપાતા રેટિંગમાં 2021 બાદ એમ.એસ.યુનિ. ભાગ લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બે વર્ષ બાદ ફરી એક વખત ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટયુટશનલ રેટિંગ ફ્રેમવર્કને કાર્યરત કર્યું છે.શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજો પાસેથી આ માટે તા.૧૫ ડિસેમ્બર સુધીમાં વિવિધ બાબતોની જાણકારી મંગાવવામાં આવી છે.જેના આધારે ૨૦૨૬-૨૭ની સાયકલ માટે રેટિંગ જાહેર કરવામાં આવશે.
એમ.એસ.યુનિવર્સિટી પણ આ વખતે રેટિંગ ફ્રેમવર્કની પ્રક્રિયામાં ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં રેટિંગ ફ્રેમવર્કની જાહેરાત કરાઈ હતી અને ૨૦૨૦-૨૧ના રેટિંગ જાહેર કરાયા હતા અને પહેલી વખત હાથ ધરાયેલી પ્રક્રિયામાં એમ.એસ.યુનિવર્સિટીએ ભાગ લીધો હતો અને તેને ૧૩મો ક્રમ મળ્યો હતો.એ પછી સત્તાધીશોએ આશ્ચર્યજનક રીતે આ રેટિગ પ્રક્રિયાથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.તે વખતના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસે એવું કારણ આપ્યું હતું કે, યુનિવર્સિટી નેશનલ રેટિંગ પર વધારે ફોકસ કરવા માગે છે.જેના કારણે ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના રેટિંગમાં યુનિવર્સિટીએ ભાગ લીધો નહોતો.
બીજી તરફ આ કામગીરી કરતી એજન્સી સાથે થયેલા મતભેદના પગલે સરકારે ૨૦૨૩-૨૪ પછી રેટિંગ પ્રક્રિયા હાથ ધરી નહોતી.હવે સરકારે ફરી આ પ્રક્રિયા શરુ કરી છે ત્યારે ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.કે એમ ચૂડાસમાએ કહ્યું હતું કે, આ વખતથી સ્ટેટ લેવલના રેટિંગમાં યુનિવર્સિટી ભાગ લેશે.આ માટે જે જાણકારી પૂરી પાડવાની છે તે એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.




