પોલીસ સ્ટેશનોમાં વ્યક્તિ ગુમ થવાની નોંધ બંધ, હવે સીધી FIR કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં કોઇ વ્યક્તિ ગુમ થઇ હોય તેવા સંજોગોમાં ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિના કિસ્સામાં જ એફઆઇઆર દાખલ કરાતી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવી ઉમર ધ્યાનમાં રાખ્યા વગર દરેક્ વ્યક્તિ ગુમ થવા અંગે એફઆઇઆર નોંધવાનું જણાવતા આખરે પોલીસે એફઆઇઆર નોંધવાની શરૃ કરવી પડી છે. હવે ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિ ગુમ થવાના કિસ્સામાં પણ પોલીસે સીધી ફરિયાદ દાખલ કરવી પડશે.
બાળ અને માનવ તસ્કરી અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી ક્રિમિનલ અપીલના ચુકાદામાં જણાવ્યા મુજબ ગુમ થવાના કિસ્સામાં એફઆઇઆર દાખલ કરવા કોર્ટે દરેક રાજ્યને આદેશ કર્યો હતો. આ ચુકાદા બાદ કેટલાક રાજ્યો દ્વારા ગુમ થવાના કિસ્સામાં એફઆઇઆર દાખલ કરવામાં આવતી ન હતી જેથી તા.૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ નિર્દેશો જાહેર કર્યા હતાં જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે આજે, અમને એ જાણીને આઘાત લાગ્યો કે કેટલાક રાજ્યો એવું માને છે કે વ્યક્તિ શબ્દ ફક્ત બાળકોનો ઉલ્લેખ કરે છે અને તેમાં પુખ્ત વયના લોકોનો સમાવેશ થતો નથી.
કોર્ટે નોધ્યું હતું કે અમને લાગે છે કે રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલ ઇરાદાપૂર્વક અને બદનક્ષીભર્યુ ભ્રમ છે, અમારા અગાઉના આદેશની ભાષા સ્પષ્ટ છે. વ્યક્તિ શબ્દનો અર્થ દરેક વ્યક્તિ થાય છે, પછી ભલે તે કોઇ પણ ઉમર કે લિંગ હોય. જો કોઇ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ આદેશનું તેના સાચા અર્થમાં પાલન કરવામાં નિષ્ફળ ગયો હોય, તો સંબંધિત મુખ્ય સચિવ અને પોલીસના મહાનિર્દેશકને અવમાનની નોટિસ જારી કરવામાં આવશે. તેઓ કોર્ટ સમક્ષ વ્યક્તિગત હાજર રહેશે અને કારણ બતાવો સોગંદનામા દાખલ કરશે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યુ હતું કે કોઇપણ ગુમ થવાના કિસ્સામાં લિંગ કે ઉંમરને ધ્યાનમાં લીધા વગર ૧૮ વર્ષથી ઓછી કે વધુ ઉંમરની વ્યક્તિને માહિતી મળતા જ તાત્કાલિક એફઆઇઆર નોંધવામાં આવે. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોના કાન આમળતા આખરે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરો તેમજ જિલ્લા પોલીસ વડાને કોઇપણ વ્યક્તિ ગુમ થઇ હોય અને તેની જાણ થાય તો તાત્કાલિક ફરિયાદ નોધવાની સુચના આપવામાં આવી હતી. આ સાથે જ હવે દરેક પોલીસ સ્ટેશનોમાં ગુમ થવાની એન્ટ્રી બંધ કરી હવે સીધી એફઆઇઆર નોધવામાં આવી રહી છે.




