યલો એલર્ટ વચ્ચે વડોદરામાં મેઘરાજાની ધડબડાટી : વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain Update : વડોદરા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસથી બફારો અને ગરમીથી પરેશાન શહેરીજનોને વરસાદથી રાહત મળી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ ઉત્તર વિસ્તારમાં 9.50 એમએમ, પશ્ચિમ વિસ્તારમાં 22.50 એમએમ, પૂર્વ વિસ્તારમાં 11 એમએમ અને દક્ષિણ વિસ્તારમાં 8 એમએમ વરસાદ નોંધાયો છે. શહેરના રાવપુરા વિસ્તારમાં 6 એમએમ, દાંડિયાબજારમાં 13 એમએમ, આજવા સરોવર ખાતે 1.50 એમએમ અને પ્રતાપપુરા ખાતે 3.50 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે દોડકા ખાતે સૌથી વધુ 33 એમએમ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આજે વડોદરા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેની અસર ગુજરાત સહિત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે. લો પ્રેશરની અસરથી ચોમાસું ફરી સક્રિય બન્યું છે. વરસાદના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય બફારા તથા ગરમીથી લોકોને મોટી રાહત મળી છે.









