અમદાવાદમાં ફૂડ ચેકિંગમાં અનેક સ્ટોલવાળા લાઇસન્સ વિના ઝડપાયા : વડોદરામાં ગરબા મેદાનો ખાતે ફૂડ સ્ટોલના ચેકિંગની કામગીરીમાં ખોરાક શાખા નિષ્ક્રિય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Food Safety : નવરાત્રી દરમિયાન ગરબા મેદાનોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા સ્ટોલ પર સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં, તે તપાસવાની જવાબદારી તંત્રની છે. જોકે, અન્ય શહેરની સરખામણીએ વડોદરામાં આ મામલે તંત્રની કામગીરીમાં મોટો તફાવત જોવા મળ્યો છે. અમદાવાદમાં નવરાત્રીના પ્રથમ નોરતે જ કોર્પોરેશનના આરોગ્ય અને ખાદ્ય વિભાગની ટીમોએ ગરબા સ્થળોએ તપાસ હાથ ધરતા 41 સ્ટોલ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)નું જરૂરી નોંધણી પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું હતું.
બીજી તરફ, વડોદરામાં 30થી વધુ મોટા ગરબા આયોજનો યોજાઈ રહ્યાં હોવા છતાં નવરાત્રીના બે દિવસ વીતી જવા સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોરાક શાખા દ્વારા ફૂડ સ્ટોલની તપાસ હાથ ધરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. ગરબા મેદાનોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી રહ્યા છે અને ત્યાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. તેમ છતાં તપાસના અભાવે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને જરૂરી નોંધણી અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.
ખાસ કરીને ગરબા મેદાનોમાં ખાણીપીણીના સ્ટોલ પર ખેલૈયાઓની ભારે ભીડ રહેતી હોય છે. આવા સંજોગોમાં ખાદ્ય પદાર્થો તૈયાર કરવાની અને સંગ્રહ કરવાની રીત, વપરાતા કાચા માલની ગુણવત્તા તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી જરૂરી બને છે. પરંતુ વડોદરામાં બે દિવસ સુધી તપાસ હાથ ધરવામાં નહીં આવતાં અનેક ખેલૈયાઓ આ સ્ટોલ પરથી ખાદ્ય પદાર્થો આરોગી ચૂક્યા છે અને મોટા પ્રમાણમાં વેચાણ પણ થઈ ચૂક્યું છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા પાસે સ્થળ પર જ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરી શકાય તેવી મોબાઇલ ટેસ્ટિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સુવિધાનો ઉપયોગ કરીને ગરબા મેદાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થોની પ્રાથમિક તપાસ સ્થળ પર જ કરી શકાય છે. સામાન્ય રીતે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા બાદ તેના પરીક્ષણનો અહેવાલ મેળવવામાં સમય લાગે છે. અનેક કિસ્સાઓમાં લોકો ખાદ્ય પદાર્થો આરોગી લીધા બાદ આશરે 15 દિવસ પછી નમૂનાનો અહેવાલ આવે તો તેનો તાત્કાલિક ઉપયોગ કેટલો અસરકારક રહે છે, તેવો સવાલ પણ ઊઠે છે.




