Baroda

લો કર લો બાત : બ્યુટીફિકેશનના નામે ફૂટપાથ પર લાખોનો ખર્ચ કર્યા બાદ હવે પાર્કિંગ ઝોન

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશને ગોલ્ડન અને વાઘોડિયા ચોકડી ખાતે લાખોના ખર્ચે બ્યુટિફાય કરાયેલી ફૂટપાથને હવે પાર્કિંગ ઝોનમાં ફેરવી દીધી છે. સ્માર્ટ સિટી હેઠળ સુંદર બનાવાયેલી આ ફૂટપાથને પે એન્ડ પાર્ક માટે 1 વર્ષના ઇજારા પર આપવાની જાહેરાત કરાઈ છે. આયોજનના અભાવે જાહેર નાણાંનો દુરુપયોગ થયાના સવાલો ઊભા થયા છે, કારણ કે રાહદારીઓ માટેની જગ્યા ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લો કર લો બાત : બ્યુટીફિકેશનના નામે ફૂટપાથ પર લાખોનો ખર્ચ કર્યા બાદ હવે પાર્કિંગ ઝોન

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ફરી એકવાર આયોજનના અભાવના સવાલો ઊભા થયા છે. શહેરમાં હાઈવે પરથી પ્રવેશતા મુખ્ય એન્ટ્રી પોઇન્ટ એવા ગોલ્ડન ચોકડી અને વાઘોડિયા ચોકડી ખાતે સ્માર્ટ સિટીના ભાગરૂપે ફૂટપાથનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. ફૂટપાથ પર લાઇટિંગ, રંગરોગાન સહિતની કામગીરી પાછળ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ જ ફૂટપાથને પાર્કિંગ ઝોનમાં ફેરવી દીધા છે. આજે કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી ખુલ્લી જગ્યાઓ, ફૂટપાથ અને બ્રિજ નીચેની જગ્યાઓ પે એન્ડ પાર્ક માટે એક વર્ષની મુદતના ઇજારા તરીકે જાહેર હરાજીથી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
ગોલ્ડન ચોકડી અને વાઘોડિયા ચોકડી જેવા શહેરના પ્રવેશદ્વારો પર ફૂટપાથનું બ્યુટિફિકેશન કરીને તેને સુંદર બનાવવામાં આવ્યો હતો. હવે એ જ જગ્યા પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાશે તો બ્યુટિફિકેશન પાછળ કરવામાં આવેલા ખર્ચની ઉપયોગિતા સામે સવાલ ઊભો થાય છે.
કોર્પોરેશન દ્વારા ફૂટપાથ તૈયાર કરીને એક તરફ શહેરને સુંદર બનાવવાનો દાવો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ એ જ ફૂટપાથને વાહન પાર્કિંગ માટે ફાળવી દીધા છે, જેના કારણે જાહેર નાણાંનો ખર્ચ યોગ્ય આયોજન વગર થયો હોવાની ચર્ચા શરૂ થઈ છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પહેલેથી જ ફૂટપાથ પર દબાણ, લારી-ગલ્લા અને પાર્કિંગના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં બાકી રહેલા ફૂટપાથ પણ પે એન્ડ પાર્ક માટે ઇજારા પર અપાશે તો રાહદારીઓ માટેની જગ્યા વધુ ઘટશે.
ફૂટપાથનો મુખ્ય હેતુ રાહદારીઓને સુરક્ષિત રીતે ચાલવાની સુવિધા આપવાનો છે. ત્યારે ફૂટપાથને જ પાર્કિંગ માટે ફાળવવાનો નિર્ણય કોર્પોરેશનની નીતિ અને આયોજન સામે ગંભીર સવાલ ઊભા કરે છે.