Baroda

દારૂબંધી વચ્ચે સરહદો વટાવી દારૂની હેરાફેરી : પશુદાણની આડમાં રૂ.15.11 લાખનો બીયર-દારૂ લઈ આવેલી ટ્રક ઝડપાઈ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં કપૂરાઈ પોલીસે સયાજીપુરા ફ્રુટ માર્કેટ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશથી પશુદાણની આડમાં ટ્રકમાં લાવવામાં આવેલો રૂ. 15.11 લાખનો દારૂ-બિયર પોલીસે કબ્જે કર્યો. ટ્રકના ડ્રાઇવર પ્રકાશ સિંગાડ અને કંડક્ટર પ્રભુ વાનીયાની ધરપકડ કરાઈ. ભવાની સિંહ સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂબંધી વચ્ચે સરહદો વટાવી દારૂની હેરાફેરી : પશુદાણની આડમાં રૂ.15.11 લાખનો બીયર-દારૂ લઈ આવેલી ટ્રક ઝડપાઈ

Vadodara Liqour Smuggling : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાનો વધુ એક પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. કપૂરાઈ પોલીસને મળેલી બાતમીના આધારે સયાજીપુરા ફ્રુટ માર્કેટમાં પ્લોટ નં.299 પાસે પશુદાણની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને આવેલી મધ્યપ્રદેશ પાસિંગની આઇસર ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. દારૂનો જથ્થો કટીંગ થાય તે પહેલાં જ પોલીસે ટ્રક પાસે હાજર બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી પશુદાણની સાથે દારૂનો જથ્થો ભરીને ટ્રક સયાજીપુરા ફ્રુટ માર્કેટ ખાતે આવી છે અને થોડા સમયમાં દારૂનો જથ્થો ઉતારવાનો છે. જેના આધારે પોલીસે ગઈકાલે રાત્રે 12:25 વાગ્યે વોચ ગોઠવી ટ્રકને ઝડપી પાડી હતી. તે સમયે ટ્રક પાસે બે વ્યક્તિ તાડપત્રી ખોલી રહ્યા હતા. પોલીસે બંનેને કોર્ડન કરી ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપી પૈકી પ્રકાશ મિશ્રીલાલ સિંગાડ (રહે. સરદારપુર, ધાર, મધ્યપ્રદેશ) ટ્રકનો ચાલક હોવાનું સામે આવ્યું હતું. જ્યારે બીજા શખ્સની ઓળખ પ્રભુ ગંગારામ વાનીયા (રહે. બદનાવર, ધાર, મધ્યપ્રદેશ) તરીકે થઈ હતી, જે ટ્રકનો કંડક્ટર/હેલ્પર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશે જણાવ્યું હતું કે ભવાની સિંહે બદનાવર ખાતેથી પશુદાણ સાથે દારૂનો જથ્થો ટ્રકમાં ભરી આપ્યો હતો અને આ જથ્થો આણંદ, ગુજરાત ખાતે પહોંચાડવાનો હતો. જથ્થો ખાલી થયા બાદ તેને રૂ.10 હજાર આપવાની વાત કરવામાં આવી હતી. ભવાની સિંહ પોતાની સફેદ કાર ટ્રકની આગળ ચલાવી માર્ગદર્શન આપતો હોવાનું પણ પ્રકાશે પોલીસને જણાવ્યું હતું.
મધ્યપ્રદેશથી નેશનલ હાઇવે નં. 48 મારફતે ગુજરાત તરફ આવતી વખતે ભવાની સિંહના હેલ્પર પ્રભુ વાનીયાએ પોલીસને જણાવ્યું કે એપીએમસીના દરવાજા પાસે એક વ્યક્તિ તેમને લેવા આવવાનો હતો. ત્યારબાદ એક વ્યક્તિ તેમને ફ્રુટ માર્કેટની અંદર લઈ ગયો હતો અને બંનેને ત્યાં ઊભા રાખીને તે જતો રહ્યો હતો. દારૂનો જથ્થો ઉતાર્યા બાદ પ્રભુને પણ રૂ.10 હજાર મળવાના હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રકમાંથી રૂ.15,11,885ની કિંમતનો દારૂ અને બિયરના 5,371 નંગ, બે મોબાઇલ ફોન, આઇસર ટ્રક તથા રૂ.60 હજારની કિંમતની પશુદાણની 60 બેગ મળી કુલ રૂ.30,81,125નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ડ્રાઇવર પ્રકાશ સિંગાડ અને કંડક્ટર પ્રભુ વાનીયાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી છે. આ કેસમાં દારૂનો જથ્થો આપનાર તથા ટ્રકની આગળ કાર ચલાવી પાયલોટિંગ કરનાર ભવાની સિંહ અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવાના દાવા વચ્ચે મધ્યપ્રદેશથી દારૂ ભરેલી ટ્રક અનેક ચેકપોસ્ટ પાર કરીને વડોદરા સુધી પહોંચી જતાં પોલીસ અને ચેકિંગ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. હવે પોલીસની તપાસમાં આ દારૂની હેરાફેરીની સાંકળમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે બહાર આવે છે કે કેમ તે જોવાનું રહ્યું.