કરજણની ચામુંડા ફાર્મા અને એક મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોડિન યુક્ત કફ સિરપ તેમજ અન્ય પ્રતિબંધિત દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ ઘોંસ વધારી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં મેસર્સ ચામુંડા ફાર્મા તેમજ એક મેડિકલ સ્ટોરમાં દરોડો પાડી રૃા.૪૨.૬ લાખ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરી બંનેના લાઇસન્સ કાયમ માટે રદ કરી દેવાયા છે.
મહારાષ્ટ્ર એનસીબીની બાતમીના આધારે વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળ આવતી 'એનરેક્સ (કોડિન)' કફ સિરપની ૧૩,૯૩૮ બોટલો જેની અંદાજિત કિંમત રૃા.૨૭.૮ લાખ તથા 'ટ્રામાડોલ'ની ૧૨,૨૪૦ ટેબ્લેટ્સ જેની અંદાજિત કિંમત રૃા.૫૦ હજારનો જથ્થો મળતા જપ્ત કરવામાં આવ્યો હતો.
કરજણ તાલુકાની ચામુંડા ફાર્મા પેઢીને કાયદાના ભંગ બદલ સીલ કરી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ પેઢીના વેચાણ પરવાનાઓ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે. આ ઉપરાંત, આ પેઢી સાથે સંબંધ ધરાવતી કરજણની 'મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ'માં પણ તંત્ર દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં મેડિકલ સ્ટોરમાંથી એનડીપીએસનો ઘટક ધરાવતી 'લોમોટીલ' ટેબ્લેટ્સનો જથ્થો મળ્યો હતો. સ્થળ પર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી તથા નિયત તાપમાન જાળવવા માટેનું ફ્રિજ બંધ હાલતમાં હોવા સહિતની ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. આ ઉલ્લંઘન બદલ કારણ દર્શક નોટિસ પાઠવીને પેઢીના છૂટક દવાનો વેચાણ કરવાના પરવાનાઓ તા.૫ ઓક્ટોબર ૨૦૨૬થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.




