લેન્ડ રેકર્ડના કર્મચારીઓ આક્રમક કાલથી અચોક્કસ મુદતની હડતાળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લેન્ડ રેકર્ડના કર્મચારીઓની તા.૧૧ સપ્ટેમ્બરથી શરૃ થયેલી હડતાળ આજે નવમાં દિવસમાં પ્રવેશી છે. આ હડતાળના કારણે પ્રોપર્ટી કાર્ડ, જમીન માપણી સહિતની તમામ કામગીરી ઠપ થઇ જતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આજે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા કચેરીઓ ખાલી જણાતી હતી અને અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માગણીઓ અંગે સરકારને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ લાંબો સમય થવા છતા માગણીઓ અંગે કોઇ ધ્યાન નહી અપાતા આખરે કર્મચારીઓ દ્વારા આખરીનામું આપી આઇએલઆર તેમજ ડીએલઆર કચેરીઓના કર્મચારીઓ તા.૧૧થી પેન ડાઉન હડતાળ પર ઉતરી જતા ઓનલાઇન તેમજ ઓફલાઇન સહિતની તમામ કામગીરીથી કર્મચારીઓ દૂર રહેતા સિટિ સર્વે તરીકે ઓળખાતી આ કચેરીઓની તમામ કામગીરી પ્રભાવિત થઇ છે.
પેન ડાઉનના કાર્યક્રમ બાદ આજે તમામ કચેરીના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતાં માત્ર અધિકારીઓ જ કચેરીમાં જણાતા હતાં. મંડળે જણાવ્યું હતું કે આઇએલઆરની તમામ કચેરીઓમાં હવે સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આઇએલઆર તેમજ ડીએલઆરના કર્મચારીઓના પ્રશ્નો અંગે સેટલમેન્ટ કમિશનર સાથે ચર્ચા થઇ હતી પરંતુ આ ચર્ચા પડી ભાંગતા આંદોલન વધુ ઉગ્ર બનશે. દરેક જિલ્લાના કર્મચારીઓેએ પોતાની કચેરીના વડાને પોતાના આંદોલન અંગે લેખિતમાં જાણ કરી દીધી છે અને સોમવારથી આંદોલનને વધુ આક્રમક બનાવવાની ઘોષણા કરી છે.




