'દંગલ'થી પ્રેરણા લઈ કુસ્તીના મેદાનમાં ઝળકી વડોદરાની ખેલાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આમિર ખાનની ફિલ્મ 'દંગલ'થી પ્રેરણા લઈને કુસ્તીમાં કારકિર્દી બનાવનાર વડોદરના રિક્ષાચાલકની દીકરી હિમાની હિરાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.
તુર્કીમાં ૧૮સપ્ટેમ્બરે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી હિમાની(૨૩)એ અંડર-૭૧ કિલોગ્રામ વજન વર્ગના ફાઇનલ મુકાબલામાં રશિયાની પ્રતિસ્પર્ધીને ચિત્ત કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
હિમાનીના પિતા પ્રકાશભાઈ ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે, જ્યારે માતા મીનાબેન ગૃહિણી છે. હિમાની અને તેની બહેન મેઘાએ માતા-પિતા સાથે 'દંગલ' ફિલ્મ જોયા બાદ કુસ્તીમાં ઝંપલાવ્યું હતું. ફિલ્મમાં પિતા પોતાની દીકરીઓને કુસ્તીબાજ બનવા માટે તાલીમ આપે છે. તેનાથી પ્રેરાઈને પ્રકાશભાઈ અને મીનાબેન બંને દીકરીઓના સપનાને સાકાર કરવા માટે તેમને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
તુર્કીથી પરત ફરેલી હિમાનીનું આજે વડોદરા રેલવે સ્ટેશન પર પરિવારજનો, કોચ અને સાથી કુસ્તીબાજોએ ઢોલ-નગારાં સાથે સ્વાગત કર્યું હતું. નવેમ્બર-૨૦૨૬માં અમેરિકામાં યોજાનારી વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને સફળતાનો સિલસિલો આગળ વધારવા હિમાનીનું લક્ષ્ય છે.




