મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ : કલેકટર કચેરી બહાર તંબુ બાંધી કર્મચારીઓ ધરણા પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : મહેસુલી તંત્રમાં વિવિધ પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામતાં તેની સીધી અસર હવે સામાન્ય નાગરિકો પર પડી રહી છે. કલેકટર કચેરી બહાર જ કર્મચારીઓએ તંબુ બાંધી ધરણાં શરૂ કરતાં સરકારી કચેરીમાં પોતાના જરૂરી કામ માટે આવતા અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આવી છે.
મહેસુલી વિભાગ સાથે સંકળાયેલા વિવિધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. જેના પગલે કલેકટર કચેરી સહિત મહેસુલી વિભાગની દૈનિક કામગીરી પર અસર પડી છે.
ખાસ કરીને જમીનના દસ્તાવેજો, હક્કચોકસી, વારસાઈ, આવકના દાખલા, જમીન સંબંધિત નોંધો, પ્રમાણપત્રો સહિતના વિવિધ કામ માટે કચેરીમાં આવતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક અરજદારો દૂરના ગામડાંમાંથી વાહનનો ખર્ચ કરીને કચેરીએ પહોંચે છે, પરંતુ કર્મચારીઓ હડતાળ પર હોવાના કારણે તેમનું કામ આગળ વધતું નથી. પરિણામે સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે.
‘સરકારી કચેરીએ આવ્યા, પણ કામ ક્યાં થાય?’ એવો સવાલ અરજદારોના મોઢે સાંભળવા મળ્યો હતો. સામાન્ય નાગરિક માટે સરકારી કચેરીનું એક કામ પણ ઘણી વખત દિવસો સુધીની દોડધામ બની જતું હોય છે. તેમાં પણ કર્મચારીઓની હડતાળને કારણે કામ વધુ લંબાતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
એક તરફ મહેસુલી કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે મક્કમ બની ધરણાં પર બેઠા છે, તો બીજી તરફ આ હડતાળનો ભોગ બનતા સામાન્ય અરજદારોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.




