વડોદરામાં હવે આરોપી પકડાયા પછી ફરિયાદ દાખલ કરવાનો ચિલો પડ્યો! : રથયાત્રામાં સ્નેચિંગના ગુનામાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા સામે સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત હોવા છતાં સ્નેચરો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. હવે ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડી ચાર સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાનું જાહેર કરતાં વધુ એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે આરોપી ઝડપાયા બાદ જ ફરિયાદ કેમ દાખલ કરવામાં આવે છે?
ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા દરમિયાન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપીઓની ધરપકડ બાદ ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. અગાઉ સયાજીગંજ પોલીસે એક શખ્સને ઝડપી પાડી રથયાત્રામાં ચોરી થયેલા બે મોબાઈલ ફોન રિકવર કર્યા હતા.
જો પોલીસ પાસે ગુનાની માહિતી અગાઉથી ઉપલબ્ધ હતી અને આરોપીઓની સંડોવણી અંગે તપાસ ચાલી રહી હતી તો ફરિયાદ નોંધવાની પ્રક્રિયા આરોપીઓ ઝડપાયા બાદ જ કેમ કરવામાં આવી? તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે.
મહત્વનું છે કે રથયાત્રા દરમિયાન ચેઇન સ્નેચિંગની ઘટનાઓને લઈને અગાઉ રાવપુરા પોલીસ મથકમાં મંગળસૂત્ર સ્નેચિંગની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જો આરોપીઓ ઝડપાય ત્યાં સુધી ગુનાની માહિતી ગુપ્ત રાખવાની કોઈ પોલીસની નીતિ કે તપાસની જરૂરિયાત હોય તો અગાઉ આ પ્રકારની ફરિયાદ કેવી રીતે નોંધાઈ હતી? અને જો ફરિયાદ નોંધવી શક્ય હતી તો અન્ય પીડિતોના ગુનાઓમાં પણ તાત્કાલિક ફરિયાદ કેમ નોંધવામાં આવી નહીં? તમામ ફરિયાદોમાં બિલના કારણે વિલંબ થયો હોવાનું ફરિયાદીઓએ જણાવ્યું છે.
‘ફરિયાદો વધે તો પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થાય?’
રથયાત્રા દરમિયાન એક સાથે મોબાઇલ, પર્સ અને ચેઇન સ્નેચિંગની અનેક ઘટનાઓ બની હોવાની ચર્ચા હતી. આવી ઘટનાઓ અંગે એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાય તો રથયાત્રા દરમિયાન પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ શકે તેમ હતું.
આથી આરોપીઓ ઝડપાયા બાદ ફરિયાદ નોંધવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી હોવાની ચર્ચા પોલીસ વર્તુળોમાં તથા લોકોમાં થઈ રહી છે.
સાયબર ક્રાઇમમાં પણ અરજી બાદ ફરિયાદનો પ્રશ્ન
આ પ્રકારની ફરિયાદ નોંધવામાં વિલંબની બાબત માત્ર રથયાત્રા પૂરતી મર્યાદિત નથી. અગાઉ સાયબર ક્રાઇમના કેટલાક કિસ્સાઓમાં પણ પ્રથમ તબક્કે અરજી લેવામાં આવે છે અને આરોપી પકડાયા બાદ જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે તેવા કિસ્સાઓ સામે આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જો ગુનો બન્યો હોય અને પીડિત દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોય તો કાયદેસરની કાર્યવાહી કયા તબક્કે અને કયા આધારે શરૂ કરવામાં આવે છે તે અંગે પારદર્શિતા જરૂરી બની જાય છે.
પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્નેચરો બેફામ કેવી રીતે બન્યા?
7રથયાત્રા શહેરનો મોટો ધાર્મિક અને જાહેર કાર્યક્રમ હોવાથી પોલીસ દ્વારા અગાઉથી સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધ ટીમો, બંદોબસ્ત અને દેખરેખ હોવા છતાં રથયાત્રામાં સ્નેચિંગની ઘટનાઓ બનતી રહી હતી.
ખાસ કરીને પ્રસાદી વિતરણના સ્થળોએ ભીડનો લાભ લઈ સ્નેચિંગની ઘટનાઓ બની શકે છે તે અંગે પોલીસને જાણકારી હોવા છતાં ગઠિયાઓએ લોકોના મોબાઇલ, પર્સ અને દાગીનાને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.









