જો ઈરાદો મજબૂત હોય તો દરેક મુશ્કેલીને હરાવી શકાય છે, પેરા શૂટર પૂજા અગ્રવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જીવનમાં ગમે તેટલા ઉતાર ચઢાવ આવે પણ તમારો ઈરાદો મજબૂત હોય તો દરેક મુશ્કેલીને હરાવી શકાય છે તેમ ભારતના પેરા શૂટર અને દિવ્યાંગ બેન્ક ઓફિસર પૂજા અગ્રવાલે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં દિવ્યાંગો માટે યોજાયેલા પ્રેરણા-૨૦૨૬ ફેસ્ટિવલમાં કહ્યું હતું.
પૂજા અગ્રવાલને લગ્નના થોડા મહિના બાદ ૨૦૧૨માં ટ્રેન અકસ્માતમાં પોતાના બે પગ અને ડાબો હાથ ગુમાવવા પડયા હતા.પૂજા અગ્રવાલે એક વાતચીતમાં કહ્યું હતું કે, મારા માટે માનસિક અને ભાવનાત્મક રીતે પણ એ સમય કપરો હતો.મારે ઝીરોથી જીવનની શરુઆત કરવાની હતી.આર્થિક પરિસ્થિતિ મોટો પડકાર હતી પરંતુ પરિવારજનોની મદદથી મેં હાર માન્યા વગર સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી શરુ કરી હતી અને મને બેન્કમાં નોકરી મળી હતી.
૨૦૧૬માં પેરા શૂટિંગમાં કેરિયર શરુ કરીને સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત માટે મેડલ જીતનાર પૂજા અગ્રવાલનું કહેવું હતું કે, દિવ્યાંગોને સરકારી નોકરીમાં અનામત જગ્યાઓનો ફાયદો મળી રહ્યો છે.બેન્કોમાં તો ઘણા દિવ્યાંગો કામ કરી રહ્યા છે.તેમને હવે નવી ટેકનોલોજીના કારણે કામમાં ઘણી મદદ મળી રહી છે.તેમણે કહ્યું હતું કે, દિવ્યાંગો સ્પોર્ટસમાં પણ આગળ વધી શકે છે.જોકે શરુઆતના તબક્કામાં તમારે તમારા પોતાના પર આધાર રાખવો પડે છે.એક સ્ટેજ પર પહોંચ્યા બાદ સરકારની મદદ તમને મળે છે.
દિવ્યાંગો માટે કેરિયર બનાવવા સીએ શ્રેષ્ઠ ક્ષેત્ર છે
તમે તમારી જાતને સાબિત કરી બતાવો તો લોકો તમને દિવ્યાંગ તરીકે નથી જોતા
વિપિન જૈને પોલિયોના કારણે કમરથી નીચેનો હિસ્સો પ્રભાવિત થયા પછી પણ સીએની ડિગ્રી મેળવી
પોલિયોની બીમારીના કારણે નાનપણમાં કમરથી નીચેનો હિસ્સો પ્રભાવિત થયા પછી પણ સીએની ડિગ્રી મેળવનાર મૂળ દાહોદના વતની વિપિન જૈને પણ વક્તવ્ય આપ્યું હતું.
તે પહેલા તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો તમે તમારી જાતને દુનિયા સમક્ષ સાબિત કરો તે પછી લોકો તમે દિવ્યાંગ છો તેવું યાદ નથી રાખતા.તમારી ક્ષમતા જ તમારી શારીરિક મર્યાદાને છુપાવી દે છે.
વિપિન જૈન દિવ્યાંગો માટે કામ કરતા ભગવાન મહાવીર વિકલાંગ સમિતિની સાથે પણ જોડાયેલા છે.તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો સરકારી નોકરી માટે દિવ્યાંગોના કવોટાનો દુરપયોગ કરે છે તે દુખદ બાબત છે.જોકે આવુ સિસ્ટમની મદદ વગર શક્ય નથી.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, દિવ્યાંગો માટે સીએનું ક્ષેત્ર કેરિયર બનાવવા માટે શ્રેષ્ઠ છે.કારણકે તેમાં મોટાભાગનું કામ ખુરશી ટેબલ પર બેસીને કરવાનું હોય છે.
પેરા એથ્લેટ્સને ગુજરાત સરકાર નોકરી આપેઃ ઠાકોર ખોડાજી
ગુજરાતના પેરા એથ્લેટ ઠાકોર ખોડાજી નાનપણથી બ્લાઈન્ડ છે.સંખ્યાબંધ મેડલ જીતનાર ઠાકોર ખોડાજીએ કહ્યું હતું કે, ૨૦૧૯ પછી ભારતીય પેરા એથ્લેટ્સના પ્રદર્શનમાં ખાસ્સો સુધારો થયો છે.જોકે પેરા સ્પોર્ટસમાં કેરિયર બનાવવા માટે દિવ્યાંગ ખેલાડીઓને નાણાકીય પડકારોનો સામનો કરવો પડે છે તે હકીકત છે.અમે ગુજરાત સરકારને રજૂઆત પણ કરી છે કે, રાષ્ટ્રીય સ્તરે પેરા સ્પોર્ટસમાં મેડલ મેળવનાર ગુજરાતના પેરા એથ્લેટ્સને અન્ય રાજ્યોની જેમ સરકારી નોકરી આપવામાં આવે.




