પતિ - પત્ની વચ્ચે તકરાર થતા પતિએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પતિ - પત્ની વચ્ચે નજીવી બાબતે તકરાર થતા ઘર છોડીને જતા રહેલા પતિએ આવેશમાં આવીને કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. જેઓનો મૃતદેહ આજે સવારે અંપાડ નજીક કેનાલમાંથી મળી આવ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા લક્ષ્મીપુરા રોડ પર ગોપાલબાગ સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર વિનોદચંદ્ર મહેતા (ઉં.વ.૪૮) ડ્રાઇવિંગ કરે છે. તેમના પત્ની કીર્તિબેન સરકારી સ્કૂલમાં શિક્ષિકા છે. તેમનો પુત્ર ધો.૧૨ માં અભ્યાસ કરે છે જ્યારે પુત્રી કોલેજમાં છે.ગઇકાલે રાત્રે પતિ - પત્ની વચ્ચે નજીવી બાબતે તકરાર થઇ હતી. દંપતીને સંતાનોએ તથા કલ્પેશની માતાએ પણ ઝઘડો કરવાની ના પાડી હતી. જેના કારણે ઉશ્કેરાઇને કલ્પેશકુમાર બપોર દોઢ વાગ્યે ઘર છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ બપોરે સાડા ચાર વાગ્યે તેઓએ ઘરે ફોન કરીને એવી વાત કરી કે, મારે હવે જીવવું નથી.. પરિવારે તેઓને ખૂબ જ સમજાવ્યા હતા. પરંતુ, કલ્પેશે ફોન કટ કરી દીધો હતો. આ વાતને ગંભીરતા પૂર્વક લઇને પરિવારે પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરતા જિલ્લા પોલીસ કલ્પેશના મોબાઇલનું લોકેશન શોધીને ભીમપુરા કેનાલ પાસે પહોંચી ગઇ હતી. પરંતુ, પોલીસ ત્યાં પહોચી ત્યારે કલ્પેશ મળી આવ્યો નહતો. ફાયરબ્રિગેડને કોલ કરતા સ્ટાફે આવીને કેનાલમાં મોડી સાંજ સુધી શોધખોળ કરી હતી.પરંતુ, કલ્પેશની કોઇ ભાળ મળી નહતી. છેવટે આજે સવારે અંપાડ ગામ નજીકની કેનાલમાંથી કલ્પેશનો મૃતદેહ તરતો મળી આવતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઇ મૃતદેહ બહાર કાઢ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના પ્રવિણભાઇએ આ અંગે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




