નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો : સોનલ પટેલ અને વિકાસ ઠાકુરે ગોલ્ડ મેડલ મેળવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

National Para Table Tennis Championship : વડોદરામાં યોજાયેલી બીજી નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (TTAB) દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓએ 13 સિંગલ્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ખેલાડીઓએ મહિલા સિંગલ્સ ક્લાસ-3 અને પુરુષ સિંગલ્સ ક્લાસ-6માં ગોલ્ડ મેડલ સહિત અનેક મેડલ પોતાના નામે કર્યા હતા.
સ્પર્ધામાં મહિલા સિંગલ્સ ક્લાસ-3માં ગુજરાતની સોનલ પટેલે ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. આ કેટેગરીમાં છત્તીસગઢની વિદ્યા કુમારીએ સિલ્વર અને મધ્ય પ્રદેશની પિંકી દુબેએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે પુરુષ સિંગલ્સ ક્લાસ-6માં ગુજરાતના વિકાસ ઠાકુરે ગોલ્ડ અને યેઝદી ભામગરાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
અન્ય કેટેગરીમાં પણ ગુજરાતના ખેલાડીઓએ મેડલ જીત્યા હતા. પુરુષ સિંગલ્સ ક્લાસ-1માં અલ્પેશ સુતરિયાએ બ્રોન્ઝ, ક્લાસ-3માં દિનેશ પડધરિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મહિલા સિંગલ્સ ક્લાસ-4 અને 5માં સંગીતાબેન સુતરિયા તથા કાજલ મકવાણાએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
મહિલા સિંગલ્સ ક્લાસ-6માં ભાવિકા કુકડિયાએ સિલ્વર અને કલ્પના ગોસ્વામીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પુરુષ સિંગલ્સ ક્લાસ-8માં ઇન્દ્ર કુમાર દીક્ષિતે બ્રોન્ઝ, મહિલા સિંગલ્સ ક્લાસ-9માં ભારતી સુંધિયાએ બ્રોન્ઝ અને પુરુષ સિંગલ્સ ક્લાસ-9માં નીવ રચ્છે બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતની મેડલ યાદીમાં વધારો કર્યો હતો.
દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિષ્ઠિત પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓ સોનલ પટેલ, જે.ડી.મદન, બેબી સહાના અને પ્રાચી પાંડેને તેમની આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા દ્વારા ગૌરવની બાબત ગણાવવામાં આવ્યું હતું.
અન્ય કેટેગરીના વિજેતાઓ
કેટેગરી | ગોલ્ડ મેડલ વિજેતા |
પુરુષ ક્લાસ-1 | જે.ડી. મદન – તમિલનાડુ |
પુરુષ ક્લાસ-3 | નવનીત કડિયાન – ઉત્તર પ્રદેશ |
મહિલા ક્લાસ-4 અને 5 | વિજય દીપિકા – તેલંગાણા |
પુરુષ ક્લાસ-4 અને 5 | સુમિત સેહગલ – હરિયાણા |
મહિલા ક્લાસ-6 | પ્રાચી પાંડે – ઉત્તર પ્રદેશ |
પુરુષ ક્લાસ-7 | હર્ષ ત્રિવેદી – મધ્ય પ્રદેશ |
પુરુષ ક્લાસ-8 | કુણાલ અરોરા – ઉત્તર પ્રદેશ |
મહિલા ક્લાસ-9 | બેબી સહાના – તમિલનાડુ |
પુરુષ ક્લાસ-9 | દત્તાપ્રસાદ ચૌગુલે – મહારાષ્ટ્ર |
મહિલા ક્લાસ-10 | દેવયાની વાલ્હે – મધ્ય પ્રદેશ |
પુરુષ ક્લાસ-10 | હિતેશ ડોલવાની – તેલંગાણા |




